ગુજરાત
કોર્પોરેશનમાં નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન મંજૂર ન થાય તેની ગોઠવણ
ગેમ ઝોન અગ્નિકાંડ પછી અલગ અલગ 15 જેટલા પરિપત્રો ઈસ્યુ કરાયા, 25 મીટરથી વધુ હાઈટની વિકાસ પરવાનગીની 9 અને BUની 11 ફાઈલો પેન્ડિંગ
ટીઆરપી ગેમઝોન બાદ નવા કમિશનર ડી.પી. દેસાઈએ પારદર્શક વહીવટ માટે અનેકવિધ પગલાઓ લીધા જેમાં અધિકારીઓની વિભાગીય બદલીઓ તથા નવા નિયમો અંતર્ગત 15થી વધુ પરિપત્રો ઈસ્યુ કરવામાં આવેલ જે પૈકી બાંધકામ ક્ષેત્રને લગતા સાગઠિયાકાળ દરમિયાન થયેલા નિયમો ઉપર બ્રેક લગાવી કડક વલણ અપનાવતા બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો હતો. તેમજ તૈયાર થઈ ગયેલા બાંધકામોને નિયમોની ચુસ્ત અમલવારી સાથે બીયુ સર્ટી ફાળવવા માટેનો આગ્રહ રખાતા એક સમયે નવા પરિપત્રો દ્વારા બિલ્ડીંગ પ્લાન મંજુર ન થાય તેવી ગોઠવણ થઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. તેમના દ્વારા પરિપત્રો જાહેર થયા જેમાં સૌથી વધુ નુક્શાની બાંધકામ ક્ષેત્રને થઈ હોવાનું બિલ્ડર લોબી દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજકોટ શહેરના બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે ડિમાન્ડ અને સપ્લાય બંને છે પણ રાજકોટ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ આવેલી વહીવટી કટોકટીને કારણે આ ઉદ્યોગ હાલ કૃત્રિમ મંદીની સ્થિતિએ આવી જતા કરોડોના ટર્નઓવર બંધ થતા અનેક બિલ્ડરો અને ધંધાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. રાજકોટ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડ સર્જાતા તત્કાલીન ટી.પી.ઓ. સાગઠિયા સહિતના ટી.પી.ના તેમજ ફાયરના અધિકારીઓ જેલમાં છે.
આ કારણે કામગીરીને બ્રેક લાગી હતી. શહેરનું તંત્ર ફરી પાટે ચડાવવા માટે કમિશનર તરીકે દેસાઈની નિમણૂક કરાઈ હતી. તેમણે આવીને સૌથી પહેલા ટી.પી. શાખાના કટકા કરી નાખ્યા હતા અને મોટા પાયે બદલી કરી દેવાઈ હતી. નવા અધિકારીઓ અને નવા નિયમોને કારણે કામમાં ઢીલાશ આવી હતી. બાદમાં એકાએક નવા પરિપત્ર થયા અને નિયમ પાલન આકરું બનવા લાગ્યું. આ કારણે બાંધકામ ફાઈલ આગળ વધતી જ અટકી ગઈ હતી અને નવા બાંધકામોની ફાઈલો મુકવામાં પણ બિલ્ડરો અચકાઈ રહ્યા હતાં.