બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાયુ
નવ રચિત થરાદ જિલ્લા પ્રમુખ અને બનાસકાંઠા થરાદના નવા ચાર તાલુકા માટે પ્રમુખ પદ માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા નિમણૂક પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. આ અનુસંધાને આજે બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભાજપના સંગઠનાત્મક નિયમો અને સિદ્ધાંતો અનુસાર યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ નિરીક્ષક તરીકે ગૌતમભાઈ શાહ મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ભાનુબેન બાબરીયા પૂર્વ મંત્રી તથા વર્તમાન ધારાસભ્ય રાજુભાઈ ધ્રુવ પ્રદેશ કારોબારી સભ્યની ઉપસ્થિતિમાં પ્રક્રિયા યોજાઈ હતી.
આ સેન્સ પ્રક્રિયામાં નવ રચિત થરાદ જિલ્લા ભાજપ પ્રમુખની સાથે સાથે ઓગડ તાલુકા, વાવ ના ધરણીધર તાલુકા, થરાદ ના રાહ તાલુકા તથા હડાદ તાલુકાના ભાજપ પ્રમુખશ્રીઓની નિમણૂક માટે પણ કાર્યકર્તાઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલા સેન્સના આધારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ તથા રાષ્ટ્રીય નેતૃત્વની સંમતિથી થરાદ જિલ્લા અને સંબંધિત ચાર તાલુકા પ્રમુખોની સત્તાવાર નિમણૂક કરવામાં આવશે.

