મહાનગર પાલિકામાં જન્મ-મરણના દાખલાની કામગીરી કરતુ પોર્ટલ ઇ-ઓળખ સર્વર ડાઉનના કારણે ઠપ્પ થઇ જતાં આ સેવાનો લાભ લેવા ઇચ્છતાં અરજદારોમાં હેરાનગતિનો બોકાસો બોલી ગયો છે.
અરજદારોનો આક્ષેપ છે કે શહેરનાં ત્રણેય ઝોનમાં આ કામગીરીમાં છેલ્લા પખવાડીયાથી ધાંધિયા શરૂ થતાં અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આજે શહેરના ત્રણેય ઝોનમાં સંબંધિત કચેરીની ઓફિસ બહાર અરજદારોની લાઇનો લાગી ગઇ છે. અહીં ઉપસ્થિત અરજદારોએ રોષભેર જણાવ્યું હતું કે, એક બાજુ સરકાર મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત તમામ કામગીરી ઓનલાઇન કરવાની ગતિવિધીમાં છે ત્યારે ઓનલાઇન શરૂ થયેલી જન્મ-મરણના દાખલા સહિતની કામગીરી માત્રને માત્ર સર્વર ડાઉનનાં ધાંધિયાથી ઠપ્પ થઇ જાય છે.
અરજદારો પોત પોતાનો વ્યવસાય, મજૂરી, નોકરી, ધંધો છોડી આવા દાખલા માટે પોતાની રોજીંદી કામગીરી અટકાવી સંબંધિત કચેરીએ પહોંચે છે પણ અહીં ધરમના ધકકા સિવાય અરજદારોને કશું મળતું નથી.
ખાસ કરીને નવજન્મ પોલા બાળકોની નોંધણી એટલે કે જન્મ અને મરણના દાખલા સહિતની કામગીરી કરતું પોર્ટલ ઇ-ઓળખ ખૂલતુ જ ન હોવાથી અને કોમ્પ્યુટરમાં એરર બતાવતું હોવાથી કામગીરી કરનાર સ્ટાફ પણ સર્વરના ધાંધિયાથી ત્રાસી ગયો છે.
જાણકારો કહે છે કે આવી સમસ્યા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનુભવાય રહી છે અને ઠેકઠેકાણે સૌ પારાવાર હેરાન થઇ રહયા છે ત્યારે સરકારી તંત્રોએ આ સમસ્યા નિવારવી જરૂરી છે.

