મારવાડી યુનિ.માં વધુ એક વિદ્યાર્થીનો છઠ્ઠા માળેથી કૂદી આપઘાત

રાજકોટ નજીક આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આપઘાતની વણથંભી ઘટનાઓને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. આજે 25 સપ્ટેમ્બરના રોજ સવારે યુનિવર્સિટી કેમ્પસમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના…

રાજકોટ નજીક આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આપઘાતની વણથંભી ઘટનાઓને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. આજે 25 સપ્ટેમ્બરના રોજ સવારે યુનિવર્સિટી કેમ્પસમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને મૂળ આંધ્રપ્રદેશના વતની હેમંત ગંધમ નામના વિદ્યાર્થીએ યુનિવર્સિટી બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ કરુણ ઘટના બનતા જ કેમ્પસમાં ભારે અફરાતફરી અને શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ ઘટના અંગે મારવાડી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના સેમેસ્ટર પાંચમાં અભ્યાસ કરતો હેમંત ભણવામાં ખૂબ જ નિયમિત હતો અને તેને એક પણ પ્રકારનો બેકલોગ ન હતો. યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજ તપાસતા સામે આવ્યું હતું કે વિદ્યાર્થી સવારે કોલેજ બેગ લીધા વિના જ યુનિવર્સિટીમાં પ્રવેશ્યો હતો અને સીધો છઠ્ઠા માળે પહોંચીને ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી. તેમણે ઉમેર્યું હતું કે પ્રાથમિક રીતે ભણતર સંબંધિત કોઈ પ્રશ્ન હોય તેવું જણાતું નથી. હાલ યુનિવર્સિટી તંત્ર દ્વારા તેના પરિવારજનો તેમજ મિત્રો સાથે વાતચીત કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થી 23 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે પોતાના ઘરે હતો. મોટી મેડિકલ સર્જરીમાંથી તે પસાર થયો. જે બાદ 16 સપ્ટેમ્બરથી પરીક્ષા શરૂૂ થતી હોવાથી તે અહીં આવ્યો હતો. જે બાદ બધા પેપર આપ્યા અને આજે સવારે તેના મિત્રને આ વિદ્યાર્થીએ કહ્યું હતું કે, હું યુનિવર્સિટીએ નથી આવવાનો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિતના કોઈ અધિકારી કે વોર્ડન કોઈ સાથે તેમને કોઈ પ્રોબ્લેમ થયો નહોતો. તેમના રૂૂમમેટ પોલીસને સહકાર આપી રહ્યા છે.

મારવાડી યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીસ નિધીશે જણાવ્યું હતું કે, આજે સવારના 8:10 વાગ્યા આસપાસ યુનિવર્સિટીના કેમ્પસના મેઈન બિલ્ડીંગના પાછળની સાઈડમાં છઠ્ઠા માળેથી ઝંપલાવી હેમંતે આપઘાત કર્યો છે. કુવાડવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં યુનિવર્સિટીના સ્ટાફ તેમજ સાથી વિદ્યાર્થી અને સાથી રૂૂમમેટની પૂછપરછ શરૂૂ કરી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ રહેતા વિદ્યાર્થીના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મારવાડી યુનિવર્સિટીમાં આ પ્રકારની આ બીજી હૃદયદ્રાવક ઘટના છે. અગાઉ 19 સપ્ટેમ્બર એટલે કે માત્ર સાત દિવસ પહેલાં જ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ’એ’ વિંગના 10મા માળેથી ઝંપલાવીને એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં મૂળ આંધ્રપ્રદેશના જ બે તેજસ્વી વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવી લેતા યુનિવર્સિટી કેમ્પસ અને વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

6 દિવસ પહેલા વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ હજૂ અકબંધ
છ દિવસ પહેલા મારવાડી કોલેજમાં આંધપ્રદેશની વિદ્યાર્થિનીએ સાતમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આજે સવારે મારવાડી કોલેજના છઠા માળેથી કૂદી વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવતા વાલીઓમાં ચકચાર મચી જવા પામી છે. આ બંને આપઘાતમાં હજૂ સુધી કારણ તપાસ દરમ્યાન બહાર આવ્યુ નથી. અગાઉ આપઘાત કરનાર વિદ્યાર્થિનીનો મોબાઇલ ડેટા અને તેમના મિત્રોના નિવેદન લેવામાં આવ્યા છે. પરંતુ પોલીસ હજૂ સુધી ચોક્કસ કારણ સુધી પહોંચી શકી નથી.

આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓ એકત્રિત થયા, રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થીના આપઘાત બાદ ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે આંધ્રપ્રદેશના અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ દરમિયાન મૃતક વિદ્યાર્થીના મિત્ર ઋષિકેશે એક વીડિયો જાહેર કરીને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મેન પર ગંભીર આરોપો લગાવ્યા છે. મિત્રના નિવેદન અનુસાર, ગઈકાલે જ રજિસ્ટ્રારે આપઘાત કરનાર વિદ્યાર્થી સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરી તેને ગાળો આપી હતી. વાયરલ વીડિયોમાં ઋષિકેશે અન્ય વિદ્યાર્થીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, જો ખૂબ જરૂૂર ન હોય તો આંધ્રપ્રદેશમાં જ અભ્યાસ કરજો, પરંતુ મારવાડી યુનિવર્સિટીમાં આવતા નહીં.