શહેરમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી વધુ એક રીક્ષા ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એક વેપારી અને તેમની પત્નીને રિક્ષામાં બેસાડી મુસાફરના સ્વાંગમાં ગઠિયા દ્વારા અચાનક ઉલ્ટી-ઉબકા આવવાનો ઢોંગ રચીને વેપારીના ખિસ્સામાંથી રૂૂપિયા 3,000ની રોકડ રકમ તેમજ મહત્ત્વના કીમતી દસ્તાવેજો ભરેલું પાકીટ ચોરી કરી નાસી જવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ભોગ બનનાર આધેડ વેપારીએ આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
મળતી વિગતો મુજબ,કોઠારીયા રોડ પર આવેલ રાધા પેલેસ કોમ્પ્લેક્સમાં રહેતા અને વાવડી ખાતે પાનની દુકાન ધરાવતા 55 વર્ષીય વેપારી અશોકભાઈ કેશવભાઈ કનેરીયા ગત રવિવારે (21 જૂન 2026) બપોરના આશરે ત્રણેક વાગ્યે તેમની પત્ની જયશ્રીબેન સાથે માલધારી ફાટક પાસે ગોંડલ ચોકડીએ ઘરે આવવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક લીલા કલરની અને પીળા રંગના હુડવાળી સીએનજી રિક્ષા આવીને તેમની પાસે ઉભી રહી હતી. દંપતીએ કોઠારીયા રોડ પર ડાયમંડ પાર્ટી પ્લોટ જવાનું કહેતા રિક્ષાચાલકે તેમને બેસાડ્યા હતા.
આ રિક્ષામાં અગાઉથી જ પાછળની સીટ પર જમણી બાજુ એક અજાણ્યો પેસેન્જર બેઠો હતો, જેની બાજુમાં અશોકભાઈ અને તેમની ડાબી બાજુએ તેમના પત્ની બેઠા હતા. રિક્ષા ઉપડ્યાના આશરે દસ મિનિટ બાદ, પાછળ બેસેલા અજાણ્યા શખ્સે અચાનક ઉલ્ટી અને ઉબકા આવવાનો ખોટો ઢોંગ શરૂૂ કર્યો હતો અને તે વેપારી અશોકભાઈ ઉપર ઢળવા લાગ્યો હતો. તે શખ્સે વેપારીને ’તમે આ મારી સાઈડ આવતા રહો, મને ઉલ્ટી થાય છે’ તેમ કહીને તેમનું ધ્યાન સંપૂર્ણપણે ભટકાવી દીધું હતું. આ નજરચૂકનો લાભ ઉઠાવીને અજાણ્યા પેસેન્જરે વેપારીના પેન્ટના ડાબી બાજુના આગળના ખિસ્સામાંથી રોકડ ભરેલું પાકીટ સરાવી લીધું હતું.
આ કપટપૂર્ણ ચોરીને અંજામ આપ્યા બાદ, રિક્ષા ગુલાબનગરના ખૂણે પહોંચતા જ રિક્ષાચાલક અને પેલા અજાણ્યા પેસેન્જરે અંદરોઅંદર ગૂસપૂસ કરી નવું બહાનું કાઢ્યું હતું. રિક્ષાચાલકે વેપારીને જણાવ્યું હતું કે આ પેસેન્જરને સ્પેશિયલ ભાડેથી બીજી જગ્યાએ લઈ જવાનો હોવાથી તમે અહીં જ ઉતરી જાવ, અને દંપતી પાસેથી ભાડું લીધા વિના જ તેમને અધવચ્ચે રસ્તામાં ઉતારી દીધા હતા. દંપતી નીચે ઉતરતાની સાથે જ બંને આરોપીઓ રિક્ષા ઝડપથી હંકારીને નાસી છૂટ્યા હતા. વેપારીને શંકા જતાં તુરંત જ ખિસ્સું તપાસતા પાકીટ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરાયેલા પાકીટમાં રૂૂપિયા 3000ની રોકડ રકમ ઉપરાંત પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહનની આરસી બુક અને જમીનના જરૂૂરી દસ્તાવેજો સહિતના કીમતી કાગળો હતા. ભોગ બનનાર વેપારીએ આસપાસ તપાસ કર્યા બાદ આખરે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
