નાગેશ્ર્વર ફાયરિંગ પ્રકરણમાં વધુ એક પિસ્તોલ કબજે

શહેરના જામનગર રોડ પર નાગેશ્વર પાસે આવેલા સર્વિસ સ્ટેશનમાં ઉઘરાણીના મામલે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પકડાયેલા આરોપીઓની…

શહેરના જામનગર રોડ પર નાગેશ્વર પાસે આવેલા સર્વિસ સ્ટેશનમાં ઉઘરાણીના મામલે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન નામચીન સાગરીતના ફ્લેટમાંથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શનિવારે જામનગર રોડ પર નાગેશ્વર પાસે આવેલા ’જેમકો’ નામના સર્વિસ સ્ટેશનમાં બે રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો.

આ મામલે ગાંધીગ્રામ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નામચીન બલી ડાંગર ગેંગના સાગરીત રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર અને નિવૃત્ત પોલીસમેનના પુત્ર દિવ્યરાજસિંહ મજબુતસિંહ સરવૈયાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે એક લાયસન્સવાળું હથિયાર, બે કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 3.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં નાણાંની ઉઘરાણી મામલે ડખ્ખો થયો હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી.

આ ઉપરાંત, આરોપી રામદેવે પોતાની પાસે રહેલા ગેરકાયદે હથિયારો તેના મિત્રોને સંતાડવા માટે આપી દીધા હોવાની ચોંકાવનારી કબૂલાત પણ કરી હતી. આ માહિતીના આધારે એસઓજીના પીઆઈ ચૌધરી અને તેમની ટીમે કાર્યવાહી કરતા ઘંટેશ્વર પાર્કમાં રહેતા કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા અને પરાસર પાર્કમાં રહેતા અજયસિંહ વનરાજસિંહ ચુડાસમાની ધરપકડ કરી હતી. તેઓએ જમીનમાં દાટીને છુપાવેલી બે દેશી બનાવટની પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ પોલીસે કબ્જે કર્યા હતા. આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને પોલીસે પૂછપરછ કરતા આ બંને હથિયારો રેલનગરના કુખ્યાત શખ્સ ભરત કુંગશીયાએ આપ્યા હોવાનું ખૂલ્યું હતું, જેથી પોલીસે હવે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર તપાસ દરમિયાન એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે આરોપી કુલદીપસિંહ દશરથસિંહ જાડેજાના ઘંટેશ્વર પાર્ક ખાતે આવેલા ફ્લેટની સઘન જડતી લીધી. આ તપાસમાં ફ્લેટમાંથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ નવી મળેલી પિસ્તોલ અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રામદેવે આ હથિયાર છ માસ પૂર્વે કુલદીપસિંહને સાચવવા માટે આપ્યું હતું. વધુમાં, રામદેવે આ પિસ્તોલ એકાદ વર્ષ પહેલા દાહોદના કોઈ શ્રમિક પાસેથી મેળવી હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી છે.

હાલમાં, પોલીસે આ મામલે વધુ એક ગુનો નોંધીને વિશેષ તપાસ હાથ ધરી છે. નાણાંની ઉઘરાણીના ફાયરિંગથી શરૂૂ થયેલા આ કેસમાં હવે ગેરકાયદે હથિયારોનું મોટું નેટવર્ક સામે આવી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વધુ વિગતો બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બી બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી. આઈ એન.બી.ચૌધરી, પીએસઆઈ વી.વી.ધ્રાંગુ, વી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા , ફિરોજભાઈ રાઠોડ , મૌલિકભાઈ સાવલીયા , દિગ્વિજયસિંહ ગોહિલ , હાર્દિકસિંહ પરમાર , યોગેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.