એમેઝોનમાં ફરી મોટી છટણી: 250 કર્મચારીઓની નોકરી ગઈ

  ટેક જાયન્ટ કંપની એમેઝોને 250 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. કંપનીના ડિવાઇસ યુનિટમાં આ છટણી કરવામાં આવી છે, જે કિન્ડલ ઈ-રીડર (Kindle e-readers) અને…

 

ટેક જાયન્ટ કંપની એમેઝોને 250 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. કંપનીના ડિવાઇસ યુનિટમાં આ છટણી કરવામાં આવી છે, જે કિન્ડલ ઈ-રીડર (Kindle e-readers) અને ઇકો સ્માર્ટ સ્પીકર (Echo smart speakers) જેવા લોકપ્રિય પ્રોડક્ટ્સ બનાવે છે.

મળતી માહિતી મુજબ, આ છટણીની સૌથી વધુ અસર સોફ્ટવેર ડેવલપમેન્ટ સાથે જોડાયેલા કર્મચારીઓ પર પડી છે. રોયટર્સના અહેવાલ અનુસાર, એમેઝોને વહેલી સવારે ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ મોકલીને કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની જાણ કરી હતી.એમેઝોનનાં વાઇસ પ્રેસિડેન્ટ ચેરી રોબિન્સને ઈમેલમાં જણાવ્યું હતું કે, કંપની દ્વારા તેના સંગઠનાત્મક માળખાની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા બાદ કેટલાક પદો નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છટણીના મામલે વહેલી સવારે ઈમેલ મોકલીને કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની જાણ કરવી એ કોઈ નવી વાત નથી. આ પહેલાં મેટા અને ઓરેકલ જેવી કંપનીઓ પણ ઈમેલ દ્વારા કર્મચારીઓને છટણીની જાણ કરી ચૂકી છે.એમેઝોને પણ આ છટણીની પુષ્ટિ કરી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, કેટલાક પદો નાબૂદ કરવાનો મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કંપનીએ સત્તાવાર રીતે અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા જાહેર કરી નથી. રોયટર્સના અહેવાલ મુજબ, આ છટણીમાં 250 કર્મચારીઓની નોકરી ગઈ છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવામાં અને પ્રોડક્ટ્સના રોડમેપ સાથે વધુ સારી રીતે તાલમેલ બેસાડવામાં મદદ મળશે.

મહત્ત્વની વાત એ છે કે, આ છટણીના એક દિવસ પહેલાં જ એમેઝોને એન્જિનિયરિંગ લીડરશિપનો એક મેમો જાહેર કર્યો હતો. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના વધતા પ્રભાવ વચ્ચે સોફ્ટવેર ડેવલપર્સની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મેમોમાં કર્મચારીઓને બદલાતા ટેક્નોલોજીના માહોલને અપનાવવા અને નવી કુશળતા શીખવા માટે સમય ફાળવવા જણાવાયું હતું. સાથે જ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં AIની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ બનશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ, એમેઝોને તાજેતરમાં જ એલેક્સા આધારિત પાંચ નવા ડિવાઇસ રજૂ કર્યા છે. જેમાં નવા ડિઝાઇનવાળું ઇકો શો 16 સ્માર્ટ ડિસ્પ્લે, એલેક્સા ફોટો ફ્રેમ અને બેડસાઇડ પર રાખી શકાય તેવી ઇકો ટાઇમ ઘડિયાળનો સમાવેશ થાય છે. આ તમામ ડિવાઇસ કંપનીના ડિવાઇસ યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એમેઝોનમાં છટણીનો આ સિલસિલો નવો નથી. આ જ મહિનામાં કંપનીના મુખ્ય રિટેલ વિભાગમાંથી આશરે એક હજાર કર્મચારીઓની છટણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં કંપનીએ 16 હજાર પદોમાં ઘટાડાની જાહેરાત કરી હતી, જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ 14 હજાર કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા.

એક તરફ એમેઝોન AI ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહ્યું છે, તો બીજી તરફ કંપની કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. અહેવાલો અનુસાર, કંપની આ વર્ષે AI ક્ષેત્રમાં 220 અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે.

જોકે, ટેકનોલોજી ક્ષેત્રમાં છટણીનો સામનો કરતી એમેઝોન એકમાત્ર કંપની નથી. Layoffs.fyiના આંકડા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં ટેક સેક્ટરમાં 1 લાખ 35 હજારથી વધુ નોકરીઓમાં ઘટાડો થયો છે. તાજેતરમાં ડ્રોપબોક્સે પોતાના વૈશ્વિક કર્મચારીઓમાં 9 ટકા ઘટાડાની જાહેરાત કરી છે. જ્યારે માઇક્રોસોફ્ટે પણ આશરે 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો વિકલ્પ આપ્યો છે. આમ, AI ક્ષેત્રમાં વધતું રોકાણ અને ટેક્નોલોજીમાં ઝડપથી થઈ રહેલા ફેરફારો વચ્ચે વૈશ્વિક ટેક કંપનીઓમાં કર્મચારીઓની ભૂમિકા અને રોજગારીના ભવિષ્યને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.