ગોહિલવાડમાં બીજી લોથ ઢળી, ઘોઘામાં યુવકની હત્યા

ભાવનગર જિલ્લાના ગારિયાધારના વિરડી ગામે ખનીજ માફીયાઓએ વૃધ્ધની લોથ ઢાળ્યા બાદ ગઇકાલે ઘોઘા ખાતે હત્યાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે. ઘોઘાના કસ્બાતીવાડા વિસ્તારમાં…

ભાવનગર જિલ્લાના ગારિયાધારના વિરડી ગામે ખનીજ માફીયાઓએ વૃધ્ધની લોથ ઢાળ્યા બાદ ગઇકાલે ઘોઘા ખાતે હત્યાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે.

ઘોઘાના કસ્બાતીવાડા વિસ્તારમાં રહેતા મોઈન મોહસિન નામના યુવાન પર અસલમ મહેબુબ નામના શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા આ મામલો હવે હત્યામાં પલટાઈ ગયો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઘોઘાના કસ્બાતીવાડામાં રહેતા મોઈન મોહસિન પર અસલમ મહેબુબે અચાનક તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલો એટલો જીવલેણ હતો કે યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવ બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં રહેલા યુવાનને તુરંત જ ઘોઘાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયત વધુ નાજુક અને ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત મોઈનનું કરુણ મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ સામાન્ય હુમલાનો ગુનો હવે હત્યામાં ફેરવાઈ ગયો છે. આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. નાનકડા ઘોઘા ગામમાં દિવસના અચાનક બનેલી આ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક રહેવાસીઓમાં શોક તેમજ ડરનો માહોલ છવાયો છે.

વિરડી ગામે હત્યાના આરોપી ઝડપાયા
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વીરડી ગામે વૃધ્ધની હત્યાના બનાવમાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે એકલા રહીને સેન્ટિંગ કામ કરી ગુજરાન ચલાવતા 56 વર્ષીય આનંદભાઈ પુંજાભાઈ કંઢારીયા બપોરના સમયે પોતાના ઘરે હતા. તે વેળાએ અચાનક હુમલાખોરોએ ઘરમાં ઘૂસી તેમના પર પાઇપ અને ધોકા વડે હિંસક હુમલો કરી તેમની હત્યા નિપજાવી હતી. ગારિયાધાર પોલીસે આ મામલે રમેશભાઈ બઘાભાઈ કંઢારીયા, ચિરાગભાઈ રમેશભાઈ કંઢારીયા અને મહેશભાઈ પ્રવીણભાઈ કંઢારીયા સામે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે.