કચ્છમાં વધુ એક અકસ્માત, સગર્ભા સહિત ચારના મોત

પશ્ચિમ કચ્છના માર્ગો પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે.અગાઉ ખાવડા રોડ રક્તરંજિત બન્યા બાદ હવે હાજીપીર માર્ગ પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ઢોરોથી…

પશ્ચિમ કચ્છના માર્ગો પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે.અગાઉ ખાવડા રોડ રક્તરંજિત બન્યા બાદ હવે હાજીપીર માર્ગ પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ઢોરોથી વજીરા વાંઢ તરફ જતા માર્ગ પર રોડની સાઈડનું કામ કરી રહેલા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના ઉભેલા ટ્રેક્ટર પાછળ ડમ્પર ધડાકાભેર ભટકાતા ટ્રેક્ટરમાં બેઠેલા બે માસૂમ ભાઈ-બહેન અને પતિ- ગર્ભવતી પત્ની સહિત ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક 4 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મળતી વિગતો મુજબ,મંગળવારે બપોરે અંદાજે સાડા બાર વાગ્યાના અરસામાં હાજીપીર માર્ગ પર ઢોરો અને વજીરા વાંઢ ફાટક વચ્ચે રોડની સાઈડનું મજૂરીકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન શ્રમિક પરિવારનું ટ્રેક્ટર રોડ પર ઉભું હતું,અને ટ્રોલી નીચે ભોજન કરી રહ્યા હતા.

ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્પર નંબર જીજે 12 એઝેડ 0590 ના ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટરમાં બેઠેલા દિવાન દલસિંહ મખોડિયા (ઉં.વ.27),તેમના પત્ની હસીના દિવાન મખોડિયા (ઉં.વ.27), નવીના અર્જુન મખોડિયા (ઉં.વ.5- બાળકી) અને તેના ભાઈ દશરથ અર્જુન મખોડિયા (ઉં.વ.2)નું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું.

જ્યારે આવીશ અર્જુન મખોડિયા (ઉં.વ.4)ને પગના ભાગે ઈજાઓ પહોચી હતી.બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ. એમ. પટેલ, પીએસઆઈ બેગડીયા તથા પીએસઆઈ એમ. વી. શામળા સહિતનો પોલીસ કાફલો નખત્રાણા સરકારી દવાખાને દોડી ગયો હતો અને મૃતકોના પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના સંધલા ગામના વતની છે અને અહીં રોડ પર મજૂરીકામ કરીને પેટિયું રળતા હતા.હતભાગી મહિલા હસીના દિવાન મખોડિયા ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી શ્રમિક પરિવાર પર આભ ફાટી પડ્યું છે.બનાવની જાણ થતા વતન સંધલાથી સરપંચ અને પરિવારજનો ભુજ આવવા માટે રવાના થયા છે અને બુધવારે તેમના મૃતદેહ વતનમાં પહોચશે.ઘટના અંગે ઢોરો ગામના અતાઉલ્લા ખાન મુતવા અને લુડબાય ગામના સરપંચ જબાર જતે જણાવ્યું હતું કે, અકસ્માત સ્થળે મોબાઈલ નેટવર્કનું કવરેજ ન હોવાથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરી શકાયો ન હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને માનવતા દાખવી બોલેરો ગાડીમાં ચારેય મૃતદેહો તથા ઈજાગ્રસ્ત બાળકને નખત્રાણા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.

બપોરે હાજીપીર માર પર અકસ્માત સર્જાયો ત્યાં ભોગ બનનાર શ્રમિકો રસ્તાનું બાકી રહેલું કામ કરી રહ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કામના સ્થળે બેરીકેટ કે દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યા ન હતા.જેના કારણે પુર ઝડપે આવતા ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો અને ચાર માનવ જિંદગીનો ભોગ લીધો હતો.