અંધેરી નગરી ને ગંડુરાજા: સુરતમાં 100 મકાનોનું ભેદી ડિમોલિશન, SMCના બુલડોઝર, પોલીસનો બંદોબસ્ત છતાં કોઇને કાંઇ ખબર નથી !

બિલ્ડરના લાભાર્થે ગરીબોના આવાસો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા, મામલો સળગતા મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગરનું તેડું સુરતના નાસીરનગરમાં ગત શુક્રવાર અને શનિવાર દરમિયાન સુરત મહાનગરપાલિકાના બુલડોઝરો…

બિલ્ડરના લાભાર્થે ગરીબોના આવાસો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા, મામલો સળગતા મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગરનું તેડું

સુરતના નાસીરનગરમાં ગત શુક્રવાર અને શનિવાર દરમિયાન સુરત મહાનગરપાલિકાના બુલડોઝરો તથા અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબોના 100 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાની ઘટનામાં સૌરાષ્ટ્રના એક બિલ્ડરના કરોડોના પ્રોજેક્ટના લાભાર્થે ‘ઓપરેશન’ કરી નાખવામાં આવ્યાનું બહાર આવતા ગાંધીનગર સુધી પડધા પડ્યા છે અને સરકાર સફાળી જાગી તપાસના આદેશ આપ્યા છે.

‘અંધેરી નગરીને ગંડુરાજા’ જેવા વહિવટના 100 મકાનોનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યુ છે. તેમાં કોર્પોરેશનના બુલડોઝર અને અધિકારીઓ હાજર હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત હતો. આમ છતાં કોઇ સરકારી ઓથોરિટીએ આ ડિમોલિશન કયુ તેની કોઇ સ્પષ્ટતા કરતુ નથી અને મહાપાલિકા તથા પોલીસ એક બીજા ઉપર જવાબદારી ફેંકાફેંકી કરી રહ્યા છે. જો કે, કદાવર રાજકીય પીઠબળ વગર આટલુ મોટુ સરકારી મશીનરી દ્વારા ખાનગી ઓપરેશન શકય ન હોવાની ચર્ચા છે.

નાસીરનગરના ભેદી ડિમોલિશનનો મામલો સળગતા હવે રાજ્યનું વહીવટી તંત્ર અને ગૃહ વિભાગ સફાળું જાગ્યું છે. કોઈ અદ્રશ્ય શક્તિના ઈશારે માત્ર ‘હાથો’ બનીને ડિમોલિશનની કામગીરી કરવા ગયેલા સુરત મહાનગરપાલિકા અને SOGના ઉચ્ચ અધિકારીઓ આ મામલે બરાબરના ભેરવાયા છે. હવે આ વિવાદના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે અને રાજ્ય સરકારે મામલાની ગંભીરતા જોઈને અત્યંત ગુપ્ત રાહે આખી ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. તેમજ મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે પોલીસ, મનપાના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 3 દિવસનું અલ્ટીમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, નાસીર નગર ડિમોલેશન પાછળ સુરત મહાનગરપાલિકા અને પોલીસના કેટલાક અધિકારીઓએ સાથે મળીને કોઈની ’સોપારી’ ફોડી હોવાની વ્યાપક ચર્ચા અને ફરિયાદો ગાંધીનગર સચિવાલય સુધી પહોંચી છે. આ મામલામાં સ્થાનિક સ્તરે કોઈ ગોલમાલ ન થાય તે માટે ગૃહ વિભાગે ખૂબ જ વ્યૂહાત્મક પગલું ભર્યું છે. સુરત પોલીસના જ અધિકારીઓ આ શંકાના દાયરામાં હોવાથી, સુરત પોલીસને આ સમગ્ર તપાસ પ્રક્રિયાથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ સમગ્ર કૌભાંડની સત્ય હકીકત બહાર લાવવા માટે સુરત ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના આદેશ બાદ રેન્જ આઈજીની ટીમ અત્યંત ખાનગી રીતે, સ્થાનિક સ્તરે ફોન કોલ્સ અને અન્ય માધ્યમો દ્વારા ડિમોલેશન પાછળની સાચી હકીકત અને કાવતરાના પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ અંગેનો વિગતવાર ગુપ્ત રિપોર્ટ સીધો ગાંધીનગર ગૃહ વિભાગને સોંપવામાં આવશે.

બીજી તરફ, આ વિવાદ વકરતા જ ગાંધીનગરથી સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ગતરોજ એકાએક ગાંધીનગર હાજર થવા ફરમાન કરાયું હતું. જેને પગલે સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા તાબડતોબ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં ઉચ્ચ કક્ષાએ બંધ બારણે યોજાયેલી બેઠકમાં સરકારે આ તમામ પદાધિકારીઓ પાસેથી નાસીર નગર ડિમોલેશન અંગેની વિગતો અને સ્થાનિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ ’ભૂતિયા ડિમોલેશન’ પાછળનું અસલી સત્ય અને કોના ઈશારે આ ખેલ ખેલાયો તે જાણવા મક્કમ છે.