RMCના વિજીલન્સ અધિકારીએ રેંકડી ધારકની ગળચી પકડી ધક્કો માર્યો!

રાજકોટમાં સતત ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોકમાં એક રેંકડીધારક ટ્રાફિકને નડતરરૂૂપ ઉભો હોય RMC વિજિલન્સ વિભાગના અધિકારીએ પીત્તો ગુમાવ્યો હતો. રેંકડીધારકને ચેતવણી આપી દૂર કરવાના બદલે…

રાજકોટમાં સતત ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોકમાં એક રેંકડીધારક ટ્રાફિકને નડતરરૂૂપ ઉભો હોય RMC વિજિલન્સ વિભાગના અધિકારીએ પીત્તો ગુમાવ્યો હતો. રેંકડીધારકને ચેતવણી આપી દૂર કરવાના બદલે ગળચી પકડી ધક્કો માર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા તપાસનો આદેશઆપવામાં આવ્યો છે. વાઈરલ વીડિયોમાં રેંકડીધારક બે હાથ જોડી આજીજી કરતો નજરે પડી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુનિફોર્મ પહેરેલો વિજીલન્સ અધિકારી ગરીબ રેકડી ધારકની પાસે પહોંચે છે અને કોઈપણ જાતની સભ્યતા રાખ્યા વિના સીધો તેના પર હુમલાવર થઈ જાય છે. અધિકારી રેકડી ધારકની ગરદન-ગળચી પકડીને તેને ધક્કે ચડાવે છે અને આક્રમક અંદાજમાં ધમકાવવા લાગે છે. ગરીબ લારીવાળો હાથ જોડીને સતત માફી માંગતો રહે છે અને વિનંતી કરતો નજરે પડે છે, છતાં અધિકારી પોતાની દાદાગીરી ચાલુ રાખે છે. જાહેર જનતા અને ગ્રાહકોની હાજરીમાં બનેલી આ ઘટનામાં અધિકારી માનવતા ભૂલીને ગરીબ માણસ પર પોતાની શૂરવીરતા દાખવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે.

આ મામલે દબાણ હટાવ વિભાગના અધિકારી કેપ્ટન બારૈયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ વીડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. આખો ઘટના ત્રણેક દિવસ પહેલાનો અને અધિકારીનું નામ વલ્લભભાઈ રાવત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ચોક 24 કલાક ટ્રાફિકથી ધમધતો હોય છે. તેમ છતાં રેકડી ધારકે પણ રસ્તા ઉપર લારી રાખી હતી. જોકે અધિકારી જે રીતે વાત કરી રહ્યા છે તે પણ યોગ્ય લાગતું નથી. ત્યારે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જેની જવાબદારી હશે તેની સામે નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે.