વિરાટની ઇમેજ બગાડવા મળી હતી કરોડોની ઓફર, લિઝલાઝનો ધડાકો

કોહલીએ લિઝલાઝની તસવીરને લાઇક કર્યા બાદ ઘડાયું કાવતરું ભારતીય ક્રિકેટ જગતના સુપરસ્ટાર અને રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલી હંમેશા મેદાન પરના પ્રદર્શન અને મેદાન…

કોહલીએ લિઝલાઝની તસવીરને લાઇક કર્યા બાદ ઘડાયું કાવતરું

ભારતીય ક્રિકેટ જગતના સુપરસ્ટાર અને રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલી હંમેશા મેદાન પરના પ્રદર્શન અને મેદાન બહારની લાઇફસ્ટાઇલને કારણે મીડિયાના કેન્દ્રમાં રહે છે. હાલમાં જર્મનીની ગ્લેમરસ મોડલ લિઝલાઝે કરેલા એક ઘટસ્ફોટે ભારતીય સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ભૂકંપ લાવી દીધો છે. આ કિસ્સો માત્ર એક લાઇક પૂરતો મર્યાદિત નથી રહ્યો પણ તેની પાછળ ચાલતા એક મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે.

લિઝલાઝે એક ખાસ મુલાકાતમાં પત્રકારો સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે જણાવ્યું કે, વિરાટ કોહલી દ્વારા તેની પોસ્ટ લાઇક થયા બાદ કેટલાક અજાણ્યા લોકો અને પત્રકારોએ તેનો સંપર્ક કર્યો હતો. આ લોકોએ તેને લાલચ આપી હતી કે, જો તે વિરાટ કોહલીના ચરિત્ર વિશે અથવા તેની પર્સનલ લાઇફ વિશે કોઈ નકારાત્મક નિવેદન આપશે અથવા તેના વિશે મીડિયામાં ખોટી વાતો ફેલાવશે, તો તેને બદલામાં જંગી રકમની ચુકવણી કરવામાં આવશે. આ ઓફર લિઝલાઝને રાતોરાત અમીર બનાવી શકે તેમ હતી. સામાન્ય રીતે સોશિયલ મીડિયાના યુગમાં લોકો પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈપણ સ્તરે જતાં હોય છે પરંતુ લિઝલાઝે આ તમામ ઓફર્સને સખત શબ્દોમાં ઠુકરાવી દીધી હતી. તેણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, હું માત્ર થોડા પૈસા કે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કોઈ નિર્દોષ વ્યક્તિની પ્રતિષ્ઠા સાથે રમત રમી શકું નહીં.

તેણે મક્કમતાથી જણાવ્યું કે, વિરાટ કોહલી પ્રત્યે તેને ખૂબ આદર છે અને તે તેના ફેવરિટ ક્રિકેટર છે. પૈસા માટે કોઈના પર કાદવ ઉછાળવો તેના સંસ્કારમાં નથી. આ આખી ઘટનાની કડીઓ થોડા સમય પહેલાના એક સોશિયલ મીડિયા ડ્રામા સાથે જોડાયેલી છે. વિરાટ કોહલીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અચાનક લિઝલાઝની એક બોલ્ડ તસવીર લાઇક થઈ હતી. જોકે, ભૂલથી લાઇક થયું હોવાનું માનીને થોડી જ મિનિટોમાં તે લાઇક હટાવી લેવામાં આવી હતી. પરંતુ સ્ક્રિનશોટના જમાનામાં આ વાત જંગલની આગની જેમ ફેલાઈ ગઈ હતી અને ભારતીય મીડિયામાં તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઘટનાનો ફાયદો ઉઠાવીને કેટલાક તત્વો કોહલીની ઈમેજ બગાડવા માંગતા હતા.