ભારે ગરમી વચ્ચે ઉત્તર-મધ્ય ગુજરાતમાં અમીછાંટણા

સાબરકાંઠા-દાહોદ-પંચમહાલ-અરવલ્લી-મહિસાગરનાં અનેક તાલુકામાં વરસાદી ઝાપટા, સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. વિગતો મુજબ છેલ્લા કેટલાક…

સાબરકાંઠા-દાહોદ-પંચમહાલ-અરવલ્લી-મહિસાગરનાં અનેક તાલુકામાં વરસાદી ઝાપટા, સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. વિગતો મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદી માહોલ વચ્ચે રાહતનો અનુભવ થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ચોમાસા પૂર્વે જ વાતાવરણ ખુશનુમા બન્યું છે.

સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હિંમતનગર તાલુકાના કાકોલકંપા, પીપળીકંપા, બળવંતપુરા કંપા, હડિયોલ, મહેતાપુરા અને લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને લાંબા સમયથી ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી.

દાહોદ
દાહોદ જિલ્લામાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા અને સંજેલી સહિતના વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. દાહોદ અને સંજેલી પંથકમાં પવન સાથે વરસાદ શરૂૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઠંડા પવનોના કારણે લોકો ગરમીમાંથી આંશિક મુક્તિનો અનુભવ કરી રહ્યા છે.

પંચમહાલ
પંચમહાલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોરવા હડફના મોરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા ચોમાસા પૂર્વે જ વરસાદની શરૂૂઆતનો અહેસાસ થયો હતો. વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં મોડાસા ગ્રામ્ય વિસ્તાર, શામળાજી, વાસેરાકંપા, ઇસરોલ, જીવણપુર તેમજ માલપુર પંથકમાં વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા તાપમાનમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી પ્રવૃત્તિ જોવા મળતા લોકોમાં પણ આગાહીને લઈને વિશ્વાસ વધ્યો છે.

મહિસાગર
મહીસાગર જિલ્લામાં પણ અચાનક વાતાવરણ બદલાયું હતું. લુણાવાડા, વિરપુર અને ખાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી હતી. જોકે, કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે ખેતી સંબંધિત તૈયારીઓ પર તેની અસર પડી શકે છે.