ગરમીના દિવસોમાં જરૂરી કાળજી રાખવા લોકોને મહાનગરપાલિકા દ્વારા અનુરોધ
રાજકોટ શહેરમાં હાલ ઉનાળાની ઋતુ દરમિયાન તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ઉગ્ર ગરમી રહેવાની શક્યતા છે. શહેરના નાગરિકોના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વિભાગના સંકલનથી હીટ વેવ એક્શન પ્લાન અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર, શહેરમાં વધતા તાપમાન અને ગરમીની અસરને ધ્યાનમાં રાખીને બપોરના 1:00 થી 4:00 વાગ્યા સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ વાળા ચોકમાં ઊભા રહેવું ન પડે અને તેઓ ઉગ્ર તાપમાનના સીધા પ્રભાવથી બચી શકે.
જાહેર સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ આ નિર્ણય શહેરના નાગરિકોને ગરમીના પ્રભાવથી રાહત આપશે. ઉપરોક્ત સમય દરમિયાન ટ્રાફિકનું સંચાલન જરૂૂરી મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પણ ઉગ્ર તાપમાનના દિવસોમાં જરૂૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે.
ગરમીના દિવસોમાં રાખવાની જરૂૂરી કાળજી, બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન શક્ય હોય તેટલું બિનજરૂૂરી બહાર ન નીકળવું., બહાર જવું જરૂૂરી હોય તો ટોપી, છત્રી અથવા રૂૂમાલથી માથું ઢાંકવું., શરીરમાં પાણીની ઉણપ ન રહે તે માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ, લીમડુ પાણી, નારીયેલ પાણી જેવા પ્રવાહી પીવા., હળવા, ઢીલા અને હળવા રંગના કપડાં પહેરવા., લાંબા સમય સુધી સીધા તડકામાં રહેવાનું ટાળવું., વૃદ્ધો, નાના બાળકો અને બીમાર વ્યક્તિઓની ખાસ કાળજી રાખવી., ચક્કર આવવું, માથું ભારે લાગવું, ઉલટી થવી અથવા શરીરમાં થાક લાગે તો તરત જ છાંયામાં આરામ કરી તબીબી સલાહ લેવી.
રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને વિનંતી કરે છે કે ગરમીના આ દિવસોમાં પોતાની અને પોતાના પરિવારજનોની ખાસ કાળજી રાખે તથા બિનજરૂૂરી રીતે બહાર ન નીકળે. નાગરિકોના સહકારથી જ શહેરમાં આરોગ્ય અને સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય છે.

