ગુજરાત
ખોડલધામ આયોજિત નવરાત્રી મહોત્સવના ચારેય ઝોન ખેલૈયાઓથી થયા ખીચોખીચ
વેસ્ટ ઝોનમાં મનોદિવ્યાંગ બાળકો ગરબે ઘુમ્યા: સાઉથ ઝોનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપી હાજરી
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં ચાર ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવના ચોથા દિવસે એટલે કે 6 ઓક્ટોબર ને રવિવારના રોજ ચારેય ઝોનમાં હજારો ખેલૈયાઓથી ગ્રાઉન્ડ ફૂલ થઈ ગયા હતા.
રાજકોટના સાંઈબાબા સર્કલ ખાતે યોજાયેલા શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- સાઉથ ઝોનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી અને પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ મહેમાન બન્યા હતા. આયોજકોએ વિજયભાઈ રૂૂપાણી અને ગોવિંદભાઈ પટેલનું ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું. બન્ને મહેમાનોએ ખોડલધામના આયોજનના ભરપેટ વખાણ કર્યા હતા.
આ ઉપરાંત મવડી વિસ્તારમાં ચાલી રહેલા શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- વેસ્ટ ઝોનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોથા નોરતે મનો દિવ્યાંગ બાળકો ગરબે ઘુમ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મનો દિવ્યાંગ બાળકોના આશ્રમના 30 જેટલા મનો દિવ્યાંગ બાળકો વેસ્ટ ઝોનના આંગણે મહેમાન બન્યા હતા. આયોજકો દ્વારા તેઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મનો દિવ્યાંગ બાળકોએ મા ખોડલની આરતી કરી હતી અને ગીત-સંગીતના તાલે ગરબે રમ્યા હતા. ગરબે રમીને તમામ બાળકોના મોં પર આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
નવા 150 ફૂટ રીંગ રોડ પર યોજાયેલા શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ મહેમાન બન્યા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરના નામાંકિત ડોક્ટરોએ પણ હાજરી આપી હતી. હજારો ખેલૈયાઓની રમઝટ વચ્ચે શ્રી ખોડલધામનું સુવ્યવસ્થિત આયોજન, સુરક્ષા, પારિવારિક વાતાવરણ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને સ્વચ્છતાને નિહાળીને મહેમાનો ખુશ થયા હતા.