જામનગરમાં તમામ નળ જોડાણ ડીઆઇ પાઇપલાઇનમાં ફેરવાશે

જામનગરમાં ડામર અને સીસી રોડના કામ સમયે નળ જોડાણ બદલવાનો ખર્ચ હવે નળ જોડાણ ધારકએ ચૂકવવો નહીં પડે તેનો સમાવેશ ટેન્ડર સમયે જ કરી દેવાશે…

જામનગરમાં ડામર અને સીસી રોડના કામ સમયે નળ જોડાણ બદલવાનો ખર્ચ હવે નળ જોડાણ ધારકએ ચૂકવવો નહીં પડે તેનો સમાવેશ ટેન્ડર સમયે જ કરી દેવાશે એટલે કે હવે તે ખર્ચ મહાનગરપાલિકા જ ભોગવશે તેવી દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી રજૂ થતાં તેને સર્વાનુમત્તે મંજુરી આપવામાં આવી હતી.આ નિર્ણયને તમામ કોર્પોરેટરોએ આવકાર્યો હતો. અને અભિનંદન પણ પાઠવ્યા હતા.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કમિશનર દિપેશ કેડીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગનું મહેકમ મંજુર કરવાની દરખાસ્તમાં ચર્ચામાં ભાગ લેતા જેનબબેન ખફીએ કહ્યું હતું કે, શ્વાનના રસીકરણ, ખસીકરણનું કામ થાય છે તો શહેરમાં શ્વાનની સંખ્યા કેમ સતત વધી રહી છે? રસીની તપાસ કરાવવી જોઈએ.

શ્રાવણી મેળાના દિવસો અને અપસેટ પ્રાઈઝ નક્કી કરવાની દરખાસ્ત અંગે જનબબેન ખફીએ કહ્યું હતું કે, મેળો પૂરો થયા પછી આવી દરખાસ્ત કેમ? રાઈડના ભાવો બેફામ વસૂલાયા હતાં તેના ઉપર અંકુશ થાય તે માટે મેળા પહેલા જ આવી દરખાસ્ત લાવવી જોઈએ. તો સહારાબેન મકવાણાએ ગત્ વર્ષના મેળાની ડિપોઝિટનો પ્રશ્ન ઊઠાવતા નાયબ કમિશનરે જણાવ્યું હતું કે, તમામ રકમ જમા થઈ ચૂકી છે. આખરે આ દરખાસ્ત પણ સર્વાનુમતે મંજુર થઈ હતી.

નગર યોજના નંબર, ર, રપ અને 4 (જામનગર-ધુંવાવ) ની દરખાસ્તો પણ સર્વાનુમતે મંજુર રખાઈ હતી. આ મુદ્દે જેનબબેન ખફીએ કહ્યું હતું કે હાલમાં જામનગરમાં પીવાના પાણીની સમસ્યા છે, જે ખરેખર તો એજન્ડામાં હોવું જોઈએ. આ અંગે મેયર મોનિકાબેન વ્યાસએ જવાબ આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને પત્ર લખ્યોછે, પાણીની સમસ્યા નહીં રહે.

વોટર વર્કસના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલએ જણાવ્યું હતું કે, ઊંડ-1, અને રણજીતસાગરમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવામાં આવ્યું છે, અને સસોઈ ડેમમાં પણ આજે પાણીની આવક શરૂૂ થઈ જશે. રણજીતસાગર ડેમ પછી રંગમતિ ડેમ ભરાશે અને ત્યારપછી રણમલ તળાવમાં પણ પાણીની આવક થશે.
સહારાબેન મકવાણાએે જણાવ્યું હતું કે, નગર સીમ વિસ્તારમાં પાણીની સમસ્યા છે, ત્યાં સમયસર અને પૂરતા ફોર્સથી પાણી મળતું નથી. તો સુભાષ જોષીએ સૂચન કર્યું હતું કે પાણીનો બગાડ ઓછો થાય તે માટે લોકોએ સહયોગ આપવો જોઈએ. આ પછી અધ્યક્ષસ્થાને દરખાસ્ત રજૂ થઈ હતી કે ડામર અને સીસી રોડના કામ સમયે પાણીની જુની પાઈપલાઈન બદલવી પડે છે. તેના ખર્ચનો સમાવેશ હવે ટેન્ડર સમયે જ કરાશે. એટલે કે લોકોએ આ ખર્ચ કરવો પડશે નહીં.

હવે નળ જોડાણો નવી ડીઆઈ પાઈપલાઈનમાં ફેરવાશે. આ અંગે ચેરમેન ધીરેનકુમાર મોનાણીએ કહ્યું હતું કે, આ દરખાસ્તથી લોકોને ખૂબ જ ફાયદો થશે. આ માટે સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. એમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, આ દરમિયાન બે વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે રીટર્ન ગિફ્ટ સમાન છે, જ્યારે આ દરખાસ્તનો આજથી જ અમલ કરવા સુભાષ જોષીએ સૂચન કર્યું હતું.