જીપીએસ સીસ્ટમ સાથે વિજીલન્સની ટીમ ગમે ત્યારે ચેકિંગ માટે ત્રાટકશે, એકશન પ્લાન તૈયાર
રાજ્યની પ્રથમ મનપા દ્વારા ગુણવત્તા અને સમયમર્યાદા મુદ્દે કાર્યપ્રણાલી હાથ ધરાશે
મહાનગરપાલિકાના દરેક મોટા પ્રોજેકટનું કામ શરૂ થાય ત્યારે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી કામ પૂર્ણ થવાની તારીખ અગાઉથી નક્કી કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાકટ અપાય ત્યારે જ કામ પૂર્ણ થવા માટે સમય ફાળવાતો હોય છે પરંતુ મોટાભાગનાં પ્રોજેકટ સમયસર પૂર્ણ ન થતાં હોય તેમજ ગુણવત્તામાં પણ બાંધછોડ થતી હોવાના બનાવો બનતા મ્યુનિસિપલ કમિશનરે દરેક મોટા પ્રોજેકટનું મોનીટરીંગ ઓફિસમાં બેઠા બેઠા થઈ શકે તે માટે પ્રોજેકટ શરૂ થાય તે પહેલા જરૂર મુજબના સીસીટીવી કેમેરા ગોઠવી તેનું મોનીટરીંગ કરવા અને પ્રોજેકટની કામગીરીનું ચેકીંગ કરવા વિજીલન્સ સેલ ઉભો કરવાની તૈયારીઓ આરંભી છે અને રાજ્યમાં આ પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાશે તેમ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે મોટાભાગનાં મોટા પ્રોજેકટો સમયસર તૈયાર થતાં ન હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તેવી જ રીતે તંત્રને પણ આર્થિક અને સમયનો વેડફાટ કરવો પડતો હોય છે. દરેક પ્રોજેકટ પાછળ અધિકારી સહિતનાનો સ્ટાફ રોકાયેલો હોય આ પ્રોજેકટ પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય કામ થઈ શકતા નથી તેજ રીતે પ્રોજેકટ માટે નક્કી કરેલ રો-મટીરીયલની ગુણવતામાં પણ બાંધછોડ થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. સ્થળ ઉપર હાજર વિજીલન્સ દ્વારા રો-મટીરીયલ્સની ચકાસણી થતી જ હોય છે. છતાં ફરિયાદો આવતાં હવે સરપ્રાઈઝ ચેકીંગની જરૂરીયાત ઉભી થઈ છે. તેવી જ રીતે રોજેરોજ કેટલું કામ થાય છે ? તેનો રિપોર્ટ ઈજનેરો અને કોન્ટ્રાકટરો દ્વારા આપવામાં આવતો હોય છે પરંતુ ખરેખર રિપોર્ટ મુજબ કામ થતું હોય તો સમયસર કામ પુરૂ થઈ જવું જોઈએ તેના બદલે દરેક પ્રોજેકટની સમયમર્યાદા વધતી જોવા મળી રહી છે. આથી હવે કોઈપણ પ્રોજેકટ શરૂ થાય તે પહેલા તે સ્થળ ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે.
જેનું મોનીટરીંગ કમિશનર વિભાગમાં કરવામાં આવશે અને કોન્ટ્રાકટર દ્વારા આપવામાં આવતાં કામના રિપોર્ટ સાથે તેને મેળવી આગળના દિવસે જરૂરી સુચના આપવામાં આવશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, દરેક પ્રોજેકટની તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ તેમજ મારી પાસે ટાઈમ મળતો નથી જેના લીધે કામની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થાય છે અને પ્રોજેકટ સમયસર પુરૂ થતો નથી આથી સીસીટીવી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે અને કમિશનર સહિતના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા કામનું નિરીક્ષણ કરી જરૂરી ફેરફાર અને સુચનો કોન્ટ્રાકટર તેમજ પ્રોજેકટના જવાબદાર ઈજનેરને આપી શકશે.
કમિશનરે વધુમાં જણાવેલ કે, દરેક પ્રોજેકટમાં વપરાતાં રો-મટીરીયલ્સની ચકાસણી સ્થાનિક વિજીલન્સ દદ્વારા કરવામાં આવતી હોય છે. છતાં કામમાં કચાસ ન રહી જાય તે માટે અલગથી વિજીલન્સ સેલ ઉભુ કરવામાં આવશે. જીપીએસ સીસ્ટમ સાથે વિજીલન્સની ગાડી દરરોજ દિવસ દરમિયાન તમામ પ્રોજેકટની ચકાસણી હાથ ધરશે. પરંતુ વિજીલન્સના સ્ટાફને અગાઉથી ખબર નહીં હોય કે કયાં સ્થળે જવાનું છે. તેનું મોનીટરીંગ કમિશનર વિભાગ દ્વારા કરાશે અને સુચના મળીએ નિર્દેશ કરાયેલ પ્રોજેકટ ખાતે પહોંચી રો-મટીરીયલ્સ સહિતનું ચેકીંગ કરી તુરંત રિપોર્ટ તૈયાર કરી આપવાનો રહેશે. રાજ્યમાં પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કાર્યપધ્ધતિ અપનાવવામાં આવશે. જે આગળ જતાં તમામ કામો ઉપર તેની અમલવારી શરૂ કરાશે.
જંગલેશ્ર્વર ડિમોલિશનનો કેસ મહાનગરપાલિકા જીતી ગઈ
જંગલેશ્ર્વરમાં તાજેતરમાં કરવામાં આવેલ મેગા ડિમોલીશન પહેલા અનેક આસામીઓએ ડિમોલીશન મુદ્દે કોર્ટનું શરણું લઈ રીટ કરી હતી. જેના લીધે ડિમોલીશનની કામગીરીમાં અવરોધ ઉભો થાય તેમ લાગતું હતું પરંતુ કોર્ટનો ચુકાદો આવે તે પહેલા તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી આટોપી લેવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટે મહાનગરપાલિકાની ફેવરમાં ચુકાદો આપી ડિમોલીશનને માન્ય ઠરવતાં તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

