દારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે પગની પીડાના કારણે યુવાને દારૂનો નશો કર્યો હતો. જે અંગે પત્નીએ ઠપકો આપતા બંને વચ્ચે રકઝક થઇ હતી.…

શહેરમાં કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે પગની પીડાના કારણે યુવાને દારૂનો નશો કર્યો હતો. જે અંગે પત્નીએ ઠપકો આપતા બંને વચ્ચે રકઝક થઇ હતી. પત્ની સાથે ઝઘડો થતા યુવાને નશામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે રહેતા પોપટભાઇ સોમાભાઇ પરમાર નામનો 43 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે લાકડાની આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યા ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં પોપટભાઇ પરમાર ત્રણ ભાઇ ચાર બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોપટભાઇ પરમારને પગમાં ગાઠ હોવાથી પગના દુખાવાથી કંટાળી દારૂનો નશો કર્યો હતો. જે અંગે પત્ની સાથે ઝઘડો થતા આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં જસદણના દહીસરા ગામે ખેત મજૂરી અર્થે આવેલી રેખાબેન અતરુભાઇ મીનાવા નામની 17 વર્ષની સગીરાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.