રાજકોટના કાલાવડ રોડ પર સદ્ગુરુ સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનું સંચાલન કરતા અર્જુનસિંહ જયવંતસિંહ જાડેજા સાથે ગાંધીનગરમાં એરફોર્સમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતો હોવાનું ખોટું બોલી પ્રજ્ઞેશ હનુભા ગઢવી નામના શખ્સે મોટો વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત તા. 8 જૂનના રોજ આરોપીએ અર્જુનસિંહને જૂના મિત્ર તરીકે ફોન કરી ગાંધીનગરમાં એરફોર્સમાં પ્રિન્સિપાલ હોવાનું જણાવી ડ્રાઈવરની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી અને તેના બદલામાં નાણાંની માંગણી કરી હતી. આ લોભામણી વાતોમાં આવી જઈને અર્જુનસિંહે આરોપીને કટકે-કટકે રોકડા અને ઓનલાઈન માધ્યમથી અંદાજે રૂૂા. 7 લાખ 99 હજાર ચૂકવી દીધા હતા. માત્ર પોતાની નોકરી પૂરતું જ નહીં, પરંતુ આ ઠગ શખ્સે ફરિયાદીના સગા-સંબંધીઓને પણ એરફોર્સમાં જુદી-જુદી જગ્યાઓ પર નોકરી અપાવવાની લાલચ આપી હતી.
આરોપી પ્રજ્ઞેશ ગઢવીએ વિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને અર્જુનસિંહના સગા-સંબંધીઓ પાસેથી પણ નોકરીના બહાને માતબર રકમ પડાવી લીધી હતી. જેમાં સાગરભાઈ સોલંકી પાસેથી રૂૂા. 1.32 લાખ, પૂર્વજીતસિંહ રાણા પાસેથી રૂૂા. 3.22 લાખ, પૃથ્વીરાજસિંહ ઝાલા પાસેથી રૂૂા. 2.61 લાખ અને ભવદિપસિંહ જાડેજા પાસેથી રૂૂા. 86 હજાર મળી કુલ રૂૂા. 8.01 લાખ પડાવ્યા હતા. આમ, ફરિયાદી અને તેના સગા-સંબંધીઓ પાસેથી કુલ રૂૂા. 16 લાખની માતબર રકમ આરોપીએ ખંખેરી લીધી હતી. લાંબા સમય સુધી વાયદાઓ આપવા છતાં નોકરી ન મળતા ફરિયાદીને શંકા ગઈ હતી અને તેમણે પોતાના નાણાં પરત માંગવાની શરૂૂઆત કરી હતી.
નાણાં પરત માંગતા આરોપી પ્રજ્ઞેશે અલગ-અલગ બહાના કાઢીને સમય પસાર કરવાનું શરૂૂ કર્યું હતું અને ફરિયાદીને ગેરમાર્ગે દોરવા માટે વોટ્સએપ પર એક ખોટો ઈલેક્ટ્રોનિક કોલ લેટર એટલે કે નિમણૂક પત્ર બનાવીને મોકલી આપ્યો હતો. જો કે, થોડા સમય બાદ અમદાવાદથી બાતમી મળી હતી કે આ જ આરોપી પ્રજ્ઞેશને પૈસાની લેતી-દેતી કે અન્ય કોઈ મામલામાં પોલીસે પકડી લીધો છે અને તેના વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધાયેલો છે. આ બાબતની જાણ થતાં જ અર્જુનસિંહ જાડેજાને ખાતરી થઈ ગઈ હતી કે તેમની સાથે મોટું પ્રપંચ રચવામાં આવ્યું છે. આ મામલે ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે સમગ્ર પ્રકરણ અંગે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
