જન્માષ્ટમીએ પેટીસ બાદ હવે શરદ પૂનમે દૂધ-પૌવાનો પ્રોગ્રામ

રાજકોટ મનપા દ્વારા આગામી શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે એક ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.…

રાજકોટ મનપા દ્વારા આગામી શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે એક ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં શહેરની સુપ્રસિદ્ધ ગરબા સંસ્થા કંકણ ગ્રુપ, અમરેલીના જેસિંગપરા રાસમંડળ અને કારડિયા રાજપૂત સમાજના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

અગાઉ 15 ઓગસ્ટે ધ્વજવંદન સાથે ગાંઠિયા-જલેબી અને જન્માષ્ટમી પર્વે મટકી ફોડ કાર્યક્રમ સાથે ફરાળી પેટીસ આપવામાં આવી હતી, તેવી જ રીતે આ ગરબા મહોત્સવમાં આવનારા લોકોને પણ દૂધપૌવાની જ્યાફતનો લાભ મળશે. આ કાર્યક્રમમાં અંદાજે 4,000 કરતા વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા રાખવામાં આવી છે.

આ કાર્યક્રમમાં અંદાજે 4000 વ્યક્તિઓ ઉમટી પડે તેવી સંભાવના છે અને આ તમામ માટે દૂધપૌવાનો પ્રસાદ આપવામાં આવશે. બહારગામથી આવતી ટીમ માટે 25 વ્યક્તિઓની ભોજન વ્યવસ્થા અને પાણી, ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ વ્યક્તિઓને દૂધપૌવાનો પ્રસાદ અપાશે. આ માટે શોર્ટ ટર્મ/સરક્યુલર ટેન્ડર કરવાનું તથા લાઈટ, સાઉન્ડ, મંડપ, બેનર્સ, ફોટોગ્રાફી, આમંત્રણ પત્રિકાઓ વગેરે માટે આર.સી. (રેઈટ કોન્ટ્રાક્ટ) મુજબનો ખર્ચ કરવા આદેશ આપી દેવાયા છે.

જો કે દૂધપૌવા જેવી આઇટમ માટે મનપામાં આર.સી. અમલી નથી, આથી તેના માટે શોર્ટ ટર્મ સરક્યુલર ટેન્ડર પ્રક્રિયાથી ભાવ મંગાવવામાં આવશે. તે મુજબ ખર્ચ કરવા તથા હાલમાં રાજકોટ મહાપાલિકા એલ.ઈ.ડી. સ્ક્રીન (ચોરસ ફૂટ) માટેના અમલી આર.સી.ના ભાવ વધુ હોય, એલ.ઈ.ડી. સ્ક્રીન (ચોરસ ફૂટ)ના કામે શોર્ટ ટર્મ/સરક્યુલર ટેન્ડર પ્રક્રિયા દ્વારા ભાવ મંગાવવામાં આવશે. બે ભાવમાંથી જે ભાવ ઓછા હોય તે ભાવથી એલઈડી સ્ક્રીનની કામગીરી કરવા તેમજ આનુષંગિક કામો માટે થનાર તમામ જરૂૂરી ખર્ચ મંજૂર કરવા કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા તરફથી પ્રદિપ ડવના ટેકાથી દરખાસ્ત કરવામાં આવી છે.