જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતીએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ધારા અંગે ફરિયાદ નોંધાવતાં જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાની ફરિયાદના આધારે પતિ સહિત કુલ છ સાસરીયાઓ સામે 3 કરોડની દહેજની માંગણી, શારીરિક અને માનસિક ત્રાસ તેમજ ધમકી આપવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી ધારાબેન પ્રવિણભાઈ નકુમ (ઉં. 25), હાલ ગોકુલનગર, રામનગર રોડ, જામનગર ખાતે રહે છે. તેમના લગ્ન તા. 11/12/2024ના રોજ જામનગરનાજ ઘનશ્યામભાઈ કેશુભાઈ કણજારીયા સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા.
ફરિયાદ મુજબ લગ્ન બાદથી જ પતિ ઘનશ્યામભાઈ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો બોલવી, મારકૂટ કરવી તથા અન્ય લોકો સાથે સંપર્ક ન રાખવા દબાણ કરવામાં આવતું હતું. સાસુ પુજાબેન દ્વારા સતત રોકટોક કરવામાં આવતી હતી અને બીમારી દરમિયાન સારવાર માટે પણ લઈ જવામાં આવતું નહોતું. સસરા કેશુભાઈ, દિયર સાવનભાઈ, નણંદ શીતલબેન તેમજ કાકાજી સસરા પરષોતમભાઈ દ્વારા પણ વિવિધ રીતે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આગળ ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નના લગભગ એક વર્ષ બાદ પતિ ફરિયાદીને શારજાહ (દુબઈ) લઈ ગયા હતા. ત્યાં રહેવા દરમિયાન પતિ, નણંદ અને દિયર દ્વારા દિયર માટે સોનાનો શોરૂૂમ શરૂૂ કરવાના બહાને ફરિયાદીના પિતા પાસેથી રૂૂ. 3 કરોડ દહેજ લાવવા દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ ઇનકાર કરતાં પતિ અને નણંદે મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ દહેજ ન મળે તો છૂટાછેડા આપી દેવાની વાત પણ કરવામાં આવી હતી.
બાદમાં ફરિયાદી પોતાના પિયર પરત આવી સમગ્ર ઘટનાની જાણ માતા-પિતાને કરી હતી. સમાજ મારફતે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં અંતે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા પોલીસે ફરિયાદના આધારે પતિ ઘનશ્યામભાઈ કેશુભાઈ કણજારીયા, સાસુ પુજાબેન, સસરા કેશુભાઈ, દિયર સાવનભાઈ, નણંદ શીતલબેન તથા કાકાજી સસરા પરષોતમભાઈ કણજારીયા સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
