Site icon Gujarat Mirror

મહારાષ્ટ્ર બાદ અરૂણાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો જયકાર

મહારાષ્ટ્રમાં ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે. રવિવારે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે જિલ્લા પરિષદ અને ગ્રામ પંચાયતની બેઠકો પર એકતરફી વિજય મેળવીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે.
રાજ્ય ચૂંટણી પંચના આંકડા અનુસાર, જિલ્લા પરિષદની કુલ 245 બેઠકોમાંથી ભાજપે 170 બેઠકો પર વિજયધ્વજ લહેરાવ્યો છે. નોંધનીય છે કે આ પૈકીની 59 બેઠકો પર ભાજપના ઉમેદવારો મતદાન પહેલા જ નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા, જે રાજ્યમાં પક્ષની મજબૂત પકડ દર્શાવે છે.

ગ્રામ પંચાયત સ્તરે પણ ભાજપનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું છે. કુલ 8,208 ગ્રામ પંચાયત બેઠકોમાંથી ભાજપે 6,085 બેઠકો પર જીત મેળવી છે. આ ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ પરિણામો સુશાસન અને વિકાસની રાજનીતિ પ્રત્યે જનતાનું અતૂટ સમર્થન દર્શાવે છે. બીજી તરફ, વિપક્ષી છાવણીમાં પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA) 28 બેઠકો સાથે બીજા ક્રમે રહી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર જ જીત મેળવી શકી છે.

શહેરી વિસ્તારોમાં પણ ભાજપે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે. ઈટાનગર નગર નિગમના 20 વોર્ડમાંથી 14 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસ મુખ્ય મ્યુનિસિપલ વિસ્તારોમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. પાસીઘાટ નગર પરિષદમાં સ્થાનિક પક્ષ PPAએ પાંચ વોર્ડમાં જીત મેળવી છે, પરંતુ સમગ્ર રાજ્યના વલણો જોતા સ્પષ્ટ થાય છે કે જનતાએ ભાજપના વિકાસ મોડલને જ પ્રાધાન્ય આપ્યું છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ જીતને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જનતાના વિશ્વાસની જીત ગણાવી છે.ભાજપે 170 બેઠક પર ભગવો લહેરાવ્યો છે.

Exit mobile version