યુવાન સાથે ફેસબુક પર મિત્રતા કેળવી 36.31 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ પકડાઈ

રાજકોટ જિલ્લાના જસદણના એક યુવાનને જર્મનીની મહિલાને જીવનસંગીની બનાવવાનું સ્વપ્ન ભારે મોંઘું પડ્યું હતું.જર્મન નાગરિક તરીકેની ખોટી ઓળખ આપી ફેસબુક દ્વારા મિત્રતા કેળવી લગ્નની લાલચ…

રાજકોટ જિલ્લાના જસદણના એક યુવાનને જર્મનીની મહિલાને જીવનસંગીની બનાવવાનું સ્વપ્ન ભારે મોંઘું પડ્યું હતું.જર્મન નાગરિક તરીકેની ખોટી ઓળખ આપી ફેસબુક દ્વારા મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી યુવાન સાથે રૂૂ. 36.31 લાખની મસમોટી ઠગાઈ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતું.આ ગંભીર મામલે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક મહિલા સહિત ત્રણ આફ્રિકન નાગરિકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રેન્જ આઈ.જી.પી. નિરલિપ્તકુમાર રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા વિશેષ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના આધારે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા એક ગંભીર ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ફેસબુક પર ખોટા નામે એકાઉન્ટ બનાવી અને વિદેશથી મોંઘીદાટ ચીજવસ્તુઓ તથા વિદેશી ચલણનું પાર્સલ મોકલવાની લાલચ આપીને નિર્દોષ નાગરિકો સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરતી કુખ્યાત વિદેશી ગેંગના એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે.

આ સમગ્ર કેસની વિગતવાર વાત કરવામાં આવે તો, રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ,જસદણનો ફરિયાદી યુવાન સાથે ’Mary M Samuelf’ નામના ખોટા ફેસબુક આઈડીથી જોસેફિન યા અંસાહ ઉર્ફે એન્જલ નામની મહિલા આરોપીએ મિત્રતા કેળવી હતી.ત્યારબાદ વોટ્સએપ પર અવારનવાર મેસેજ દ્વારા વાતચીત કરી ફરિયાદીને સંપૂર્ણ વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેઓ જર્મનીથી એક મોંઘું અને કિંમતી ગિફ્ટ પાર્સલ મોકલી રહ્યા છે. થોડા દિવસો પછી અન્ય સહ-આરોપીઓએ અલગ-અલગ મોબાઈલ નંબરથી ફોન કરીને પોતાને દિલ્હી એરપોર્ટના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે ફરિયાદીના નામે જર્મનીથી પાર્સલ આવ્યું છે.

દિલ્હી એરપોર્ટના અધિકારી તરીકે ફોન કરનાર ગઠિયાઓએ ફરિયાદીને લાલચ આપી હતી કે આ પાર્સલની અંદર 30,000 યુરો કેશ, સોનાનો ચેઇન, આઈફોન મોબાઈલ તથા મોંઘી ઘડિયાળ જેવી કિંમતી વસ્તુઓ આવેલી છે. આ પાર્સલ છોડાવવાના બહાને આરોપીઓએ વિવિધ ચાર્જ અને ટેક્સના નામે અલગ-અલગ દિવસે અને સમયે ફરિયાદી પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કુલ રૂૂા. 6,31,900/- પડાવી લીધા હતા. નાણાં પડાવ્યા બાદ પણ કોઈ ગિફ્ટ કે પાર્સલ હાથમાં ન આવતા ફરિયાદીને શંકા ગઈ હતી. જ્યારે તેમણે એરપોર્ટના પાર્સલ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેમના નામે કોઈ જ પાર્સલ આવ્યું નથી અને તેમની સાથે સાયબર ઠગાઈ થઈ ચૂકી છે. આ અંગે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં (1) Josephine Yaa Ansah Angel (ઉ.વ. 28, રહે. અક્રા, ઘાના), (2) Mgengeli Imani Denis(ઉ.વ. 22, રહે. તાંઝાનિયા) અને (3) Philip Batista Joseph Valentine(ઉ.વ. 23, રહે. લાક્કી, સાઉથ સુદાન) નો સમાવેશ થાય છે. આ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી 3 મોબાઇલ ફોન તથા 3 પાસપોર્ટ મળી કુલ રૂૂા. 15,000/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.તેમજ 15 બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા છે.સમગ્ર કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ ટીમની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી રહી છે.

સાયબર પોલીસ આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી?
આ ગંભીર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગોધમ તથા તેમની ટીમે હાથ ધરી હતી. તપાસ દરમિયાન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, મોબાઈલ નંબર્સ, વોટ્સએપ ચેટ્સ, બેંક ટ્રાન્ઝેક્શન્સ, આઈ.પી. લોગ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓનું ઊંડાણપૂર્વક ટેક્નોલોજીકલ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજીકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વિસ્તારમાં છુપાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન. કામળીયા,સી.બી.વાંક તથા એ.એસ.આઈ. હિતેશભાઈ ગામી,રવિભાઈ ચાવડા,નવદીપભાઈ વાણીયા, હિનાબેન કોડિયાતર,રવીનાબેન હડિયલ સહિતની વિશેષ પોલીસ ટીમ દિલ્હી અને નોઈડા ખાતે રવાના થઈ હતી. સ્થાનિક પોલીસના સહયોગથી અને ટેક્નોલોજીકલ સપોર્ટથી આખી ટીમ સફળ ઓપરેશન પાર પાડીને એક મહિલા સહિત કુલ ત્રણ વિદેશી આરોપીઓને દબોચી લેવામાં સફળ રહી છે.