ગુજરાત
પરિક્રમામાં ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને પ્રવેશ અપાયો
સંતો-મહંતો અને કલેકટર સહિતના અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું : શ્રદ્ધાળુઓને વિશેષ નિયમોનું પાલન કરવા સૂચના: પાન-માવા, ગુટખા, તંબાકુ, બીડી અને પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ
ગિરનારના જંગલમાં આગામી તારીખ 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી પરિક્રમા યોજાવાની છે. પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા રૂૂટ પર જ પરિક્રમા કરે તેવી સૂચના જાહેર કરવામાં આવી છે. ગરવા ગિરનાર પરિક્રમામાં પુણ્યનું ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો ઉમટી પડે છે. આ પરિક્રમામાં ગિરનાર અભ્યારણ્ય વિસ્તાર હોવાથી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ વિશેષ નિયમોનું પાલન કરવાનું રહે છે. આ માટે વન વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમાનો નિયત રૂૂટ જાહેર કરવાની સાથે શ્રદ્ધાળુઓએ પાલન કરવાના આવશ્યક નિયમો જાહેર સૂચનાઓ પણ બહાર પાડી છે. ઉપરાંત સંતો, મહંતો અને કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા રૂટનું અંતિમ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને આજથી પ્રવેશ આપવામાં આવ્યો છે.
ગિરનાર વન્યપ્રાણી અભ્યારણમાં પરિક્રમા દરમિયાન નક્કી કરાયેલ રસ્તા અને કેડીઓ સિવાય અન્ય વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડવો કે છંછેડવા નહીં, જંગલને તથા વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્યઓ પણ કરવા નહીં, વન્ય પ્રાણી અભયારણ્યમાં વૃક્ષો વનસ્પતિ વાસ વગેરેને કાપવા નહીં તેમજ જંગલમાં કેડી રસ્તા ઉપર અગ્નિ સળગાવવી નહીં, સાથે જ ઘોંઘાટ સાથે થતા અધાર્મિક નાચગાનની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
ગિરનાર અભયારણ્ય વિસ્તાર સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનો વિસ્તાર હોવાથી પરિક્રમાર્થીઓએ પરિક્રમા રૂૂટ સિવાય અન્ય ગિરનાર અભયારણ્યના ભાગમાં પ્રવેશ કરવો નહીં. ઉપરાંત ગિરનાર પરિક્રમાના નિયત પડાવ ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી સિવાય અન્ય જગ્યાએ રાત્રિ રોકાણ કરવું નહીં.ગિરનાર પરિક્રમામાં સ્ફોટક પદાર્થ, ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા સ્પીકરો રેડિયો વગેરે સાથે લઈ જવા પર પણ પ્રતિબંધ છે. વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે છાવણી કે તંબુ રેકડી સ્ટોલ રાખવાની સખત મનાઈ છે.
અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક થેલી કે બેગનો ઉપયોગ કરવા પણ મનાય છે. આ સાથે પાન, માવા, ગુટકા, તંબાકુ, બીડી, સિગારેટ વગેરેના વેચાણ તેમજ વપરાશ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત વન વિભાગ અને સામાજીક સંસ્થાઓ દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે અને 1000 કચરાપેટી પણ મુકવામાં આવી છે. આ અભયારણ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતોમાં સાબુ, શેમ્પૂ, ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરવો નહીં અને જમીન પ્રદૂષિત કરવી નહીં. મુખ્ય વન સંરક્ષક કચેરી, ગાંધીનગરના આદેશ દ્વારા પણ વન્ય પ્રાણી અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદનો, પેદાશ, ચીજ વસ્તુઓ, પેકિંગ મટીરીયલ્સ વગેરે લઈને પ્રવેશ કરવા તથા ફેકવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
પરિક્રમાના સમય પહેલા અને પછીના સમય તથા પરિક્રમા દરમિયાન સરકારી ફરજ પર રોકાયેલા સરકારી વાહનો તેમજ વન વિભાગ મારફત પરવાનગી મેળવેલ હશે તે સિવાયના કોઈપણ પ્રકારના વાહનોને જાહેર રસ્તા કે કેડી ઉપર અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. આમ, જાહેર સૂચનાઓનું ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમોની જોગવાઈ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ગિરનાર પરિક્રમા માટે નિયત કરાયેલ રૂટ
ગિરનારની લીલી પરિક્રમાં ભવનાથથી પ્રારંભ થાય છે. ભવનાથથી રૂૂપાયતન સુધીનો રસ્તો, રૂૂપાયતનથી ઈંટવા સુધીનો માર્ગ, ઈંટવાથી ચાર ચોક થઈ જીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠા થઈ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજ કુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજ કુંડથી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીની કેડી, ત્રણ રસ્તાથી બોરદેવી અને બોરદેવીથી ભવનાથ સુધીનો રસ્તો. આમ ભવનાથમાં આ 36 કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે.
તળેટીમાં આઈસીયુ વોર્ડ તૈયાર કરાવો
આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાંથી પરિક્રમા માટે ખાસ ઓક્સિજન સિલિન્ડર, સ્ટ્રેચર, દવાઓ સાથે મેડિકલ ઓફિસર, ફિજિશીયન, નર્સિંગ સ્ટાફ સહિતની 2 ટીમ દ્વારા ભવનાથ તળેટીમાં આરોગ્યવિભાગનો આઈસીયુ વોર્ડ તૈયાર કરવામાં આવશે. રૂૂટ પર ચઢાણવાળા વિસ્તારમાં શ્વાસની તકલીફ તથા હદય રોગની સંભાવના વધુ રહે છે. આ ઉપરાંત વાતાવરણમાં બદલાવના કારણે ઓક્સિજન, સ્ટ્રેચરદવાઓના જથ્થા સાથે મેડીકલ ઓફિસર, ફિજિશિયન નિષ્ણાતની ટીમ, તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહેશે.