Site icon Gujarat Mirror

મેટોડામાં 10 થી વધુ આખલાઓ પર એસીડ એટેક, જીવદયા પ્રેમીમાં રોષ

રાજકોટના મેટોડામાં એક કંપારી છૂટી જાય તેવી અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. ડાયમંડ પાર્ક પાસે અજાણ્યા અસામાજિક તત્વોએ 10થી વધુ આખલાઓ પર એસિડ ફેંકી તેમને ગંભીર રીતે ઇજા પહોંચાડી છે. આ જઘન્ય કૃત્યને પગલે પશુપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મેટોડાના ડાયમંડ પાર્ક વિસ્તારમાં આશરો લેતા રખડતા પશુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અનુમાન છે કે શનિવારની મોડી રાત્રે અથવા રવિવારની વહેલી સવારે જ્યારે પશુઓ વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે વિકૃત માનસ ધરાવતા શખ્સોએ તેમના પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું. સવારે જ્યારે સ્થાનિક લોકોની નજર લોહીલુહાણ અને દાઝેલી હાલતમાં પશુઓ પર પડી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ રામધણી ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

સંસ્થાના સ્વયંસેવકોએ એસિડની વેદનાથી કણસતા 10થી વધુ આખલાઓને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યા હતા. આ તમામ પશુઓને સારવાર અર્થે ફાઉન્ડેશનના આશ્રયસ્થાને ખસેડવામાં આવ્યા છે જ્યાં પશુ ચિકિત્સકો દ્વારા તેમની સઘન સારવાર શરૂૂ કરવામાં આવી છે. કેટલાક આખલાઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અબોલ પશુઓ પર થયેલા આ હુમલાને પગલે મોટી સંખ્યામાં ગૌભક્તો મેટોડા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ ડાયમંડ પાર્ક અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version