Site icon Gujarat Mirror

દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પાસા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી, ખંભાળિયામાં વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા ત્રણ શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવારનવાર વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલા માથાભારે શખ્સોની અસામાજિક પ્રવૃત્તિ પર કાબુ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતો વિશાલ ઉર્ફે વિસુ સીદુ માયાણી, ખોડીયાર ચોક – આશાપુરા મંદિર પાછળ રહેતા કિશન ઉર્ફે પાંચો કાનજી બગડા અને આ જ વિસ્તારમાં રહેતો સચિન કરમણ ચોપડા નામના ત્રણ શખ્સો સામે એલસીબીની ટીમે ગુનાહિત ઈતિહાસની માહિતી મેળવી અને આ તમામ સામે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

જે અહીંના જિલ્લા કલેકટર અએ.એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવતા તેમણે આ દરખાસ્ત મંજૂર કરી, પાસાનું અટકાયતી વોરંટ ઇસ્યુ કર્યા હતા. ત્યાર બાદ આરોપીઓને રાઉન્ડ અપ કરીને સચિન ચોપડાને પાલનપુર જિલ્લા જેલ ખાતે, કિશન ઉર્ફે પાંચો બગડાને પલાળા ખાસ જેલ ખાતે અને વિશાલ માયાણીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ. બી.જે.સરવૈયા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભૂપેશ જોટાણીયા, નાયબ કલેક્ટર મનોજકુમાર દેસાઈ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર, પીએસઆઈ વી એન. સિંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા સાથે હરપાલસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સહદેવસિંહ જાડેજા, સચિનભાઈ નકુમ, ક્રિપાલસિંહ ચૌહાણ અને યોગરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version