ગુજરાત
તહેવારોમાં અકસ્માતોની વણજાર: દર કલાકે 38 લોકો ઘાયલ
ભાઇબીજ જમવાના દિવસે વાહન અકસ્માતમાં 400 ગણો વધારો, તહેવારો દરમિયાન મારામારીના 1197 કેસ, રાજકોટમાં દાઝવાના 8 કેસ નોંધાયા
દિવાળીના તહેવારોના ચાર દિવસમાં વાહન અકસ્માતથી 3625 વ્યક્તિને ઈજા થઈ છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 906 જ્યારે પ્રતિ કલાકે 38 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી. જેની સરખામણીએ સામાન્ય દિવસોમાં સરેરાશ 481 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થાય છે. આમ, સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવારોમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં 91.48 ટકા જેટલો વધારો થયો હતો. ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન ટુ વ્હિલરમાં સૌથી વધુ 2821, ફોર વ્હિલરમાં 396, રિક્શામાં 200, અન્ય વાહનમાં 183 લોકોને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી.
સામાન્ય દિવસોમાં ટુ વ્હિલરમાં સરેરાશ 395, ફોર વ્હિલરમાં 61, થ્રી વ્હિલરમાં 31 જેટલાને વાહન અકસ્માતમાં ઈજા થતી હોય છે. આમ, ટુ વ્હિલરથી થતાં અકસ્માતની ઈજામાં સામાન્ય દિવસો કરતાં 93 ટકાનો વધારો થયો હતો. શ્વાસને લગતી સમસ્યાની ઈમરજન્સીમાં સામાન્ય દિવસો કરતાં સાધારણ વધ-ઘટ જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં રોજની સરેરાશ 412 ઈમરજન્સી સામે 31મીએ 379, 1 નવેમ્બરે 417, બીજીએ 391, ત્રીજીએ 421 ઈમરજન્સીનો સમાવેશ થાય છે. દાઝવાની ઈમરજન્સીના કેસમાં 850 ટકાનો વધારો થયો હતો.
સામાન્ય દિવસોમાં દાઝવાના રોજના સરેરાશ ચાર કેસ સામે 31મીએ 38, 1 નવેમ્બરે 40, બીજીએ 24 અને ત્રીજીએ 11 કેસનો સમાવેશ થાય છે.
રાજકોટ જિલ્લામાં મારામારીના કેસમાં અધધ…128 ટકાનો વધારો નોંધાયો
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો દિવાળી અને નવા વર્ષ ના કુલ ત્રણ દિવસ દરમ્યાન સરેરાશ 269 કેસ સાથે કુલ 808 ઇમરજન્સી કેસમાં 7.30 % ના વધારાના કેસમાં 108 સતત દોડતી રહી હતી. આ દિવસો દરમ્યાન ખાસ કરીને ઝગડાઓને કારણે મારામારીમાં લોકો ઘાયલ થતા હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલાઇઝ કરવાના કેસ સૌથી વધુ જોવા મળે છે. જેમાં 128 % નો વધારો આ વર્ષે જોવા મળ્યો છે. જયારે વાહન અકસ્માતમાં લગભગ બમણા કેસ જોવા મળે છે. જયારે આગથી દાઝી જવાના કેસમાં રાજકોટમાં ત્રીજા ક્રમે 8 કેસ નોંધાયા છે. રાજકોટમાં આ ત્રણ દિવસો દરમ્યાન મારામારીના કારણે 51 લોકોને સારવાર માટે 180 નો સહારો પૂરો પાડવામાં આવ્યો હતો, જે લગભગ ત્રણ ગણો વધારે જોવા મળ્યો છે. જયારે વાહન અકસ્માતમાં એવરેજ 25 ની સામે સરેરાશ 47 જેટલા અકસ્માત સાથે બમણો વધારો થયો હતો.
દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં ઇમર્જન્સીના કેસ
ઇમરર્જસી 31 ઓકટો. 1 નવે. 2 નવે. 3 નવે.
વાહન અકસ્માત 1096 1037 1144 4424
પેટમાં દુ:ખાવો 531 552 569 548
શ્ર્વાસમાં સમસ્યા 379 417 391 421
હૃદયમાં સમસ્યા 206 257 237 255
ઝેરની અસર 120 122 128 110
ડાયાબિટિસ 69 81 80 90
મારામારાથી ઇજા 323 381 284 209 પડી જવાથી ઇજા 255 229 234 204
દાઝવું 38 40 24 11