કોટડાસાંગાણી-રીબડા માર્ગ પર અકસ્માત; એકનું મોત

સરપંચે તંત્ર સામે આક્ષેપો કર્યા, લાખોના ખર્ચે રસ્તા બનાવ્યા છતાં રોડનું કામ પૂરુ કરાયું નથી: આંદોલનની ચીમકી કોટડાસાંગાણી-રીબડા માર્ગ પર તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકોમાં ભારે…

સરપંચે તંત્ર સામે આક્ષેપો કર્યા, લાખોના ખર્ચે રસ્તા બનાવ્યા છતાં રોડનું કામ પૂરુ કરાયું નથી: આંદોલનની ચીમકી

કોટડાસાંગાણી-રીબડા માર્ગ પર તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લાખો રૂૂપિયાના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરાયું હોવા છતાં, રોડની બંને બાજુ મેટલ અને માટીકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. આના કારણે માર્ગ અકસ્માત ઝોન બન્યો છે.

રોડની સાઈડમાં આશરે એક ફૂટ જેટલી ઊંડી કડ પડી ગઈ છે. જેના લીધે વાહનચાલકોને વાહન નિયંત્રણમાં રાખવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક વ્યક્તિના મોત બાદ પણ રોડની સાઈડનું કામ અધૂરું હોવાથી રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ બેદરકારીનું ગંભીર પરિણામ બે દિવસ પહેલા અરડોઈ નજીક જોવા મળ્યું હતું. રોડની સાઈડ ઊંડી હોવાને કારણે એક ઈગૠ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અરડોઈ ગામના પ્રેમજીભાઈ રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. રિક્ષામાં સવાર અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી.

આ ઘટના બાદ અરડોઈ ગામના સરપંચ, ગામના આગેવાનો અને મૃતકના પરિવારજનોએ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે રોડનું નવીનીકરણ પૂર્ણ થયા પછી પણ સાઈડમાં માટીકામ ન કરવું એ ગંભીર બેદરકારી છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

આ મામલે કોટડાસાંગાણી મામલતદારને આવેદનપત્ર પાઠવી રોડની બંને બાજુ તાત્કાલિક માટીકામ પૂર્ણ કરવાની રજૂઆત કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી નહીં થાય, તો રસ્તા રોકો આંદોલન સહિતના ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
અરડોઈના સરપંચે દાવો કર્યો છે કે રોડની સાઈડ યોગ્ય રીતે ન ભરાતા અત્યાર સુધીમાં ત્રણથી ચાર લોકો અકસ્માતમાં જીવ ગુમાવી ચૂક્યા છે. તેમ છતાં સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર વધુ જાનહાનિ ન થાય ત્યાં સુધી આંખ આડા કાન કરે છે.