ગોંડલમાં બોલેરો પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માત; બે શ્રમિકને ઈજા

ગુજરાત મિરર, ગોંડલ,તા.6ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસે ન્યારા પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જતી બોલેરો પિક-અપ ગાડીના ચાલકે અચાનક બ્રેક મારતા…

ગુજરાત મિરર, ગોંડલ,તા.6ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસે ન્યારા પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જતી બોલેરો પિક-અપ ગાડીના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતું બાઇક તેની સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક સવાર બે મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં અંતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ઉપલેટા તાલુકાના મોજીરા ગામે રહેતા અને કડિયાકામની મજૂરી કરતા 32 વર્ષીય મહેશભાઇ બચુભાઈ સરવૈયા ગત તા. 12/05/2026ના રોજ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ ક્ધયા છાત્રાલય ખાતે લાદી ફિટિંગનું કામ કરવા ગયા હતા. તેમની સાથે પાલીતાણાનો તેમનો સંબંધી આકાશ ગુણવંતભાઇ ખેંગાર પણ મજૂરી કામે આવ્યો હતો. સાંજે આશરે 6:30 વાગ્યે કામ પૂરું કરીને બંને બજાજ પ્લેટિના બાઇક (GJ 03 KS 8355) પર ગુંદાળાથી જામકંડોરણા થઈને મોજીરા જવા નીકળ્યા હતા. બાઇક મહેશભાઈ ચલાવતા હતા અને આકાશ તેમની પાછળ બેઠો હતો. ગુંદાળા ગામ આગળ ન્યારા પેટ્રોલ પંપ પાસે પહોંચતા આગળ જતી બોલેરો પિક-અપ ગાડી (GJ 03 BZ 6694) ના ચાલકે અચાનક જ ગફલતભરી રીતે બ્રેક મારી દીધી હતી.

પરિણામે મહેશભાઈનું બાઇક બોલેરોની પાછળ અથડાયું હતું અને પાછળથી આવતો એક ટ્રક પણ બોલેરોની ડાબી બાજુએ ભટકાયો હતો. ઇજાગ્રસ્ત મહેશભાઈને હાથે ઓપરેશન કરાવવું પડ્યું હોવાથી અને બોલેરો ચાલક સાથે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી પોલીસને જાણ કરવામાં વિલંબ થયો હતો. જોકે, સમાધાન ન થતાં અંતે બનાવના થોડા દિવસો બાદ તા. 05/06/2026 ના રોજ ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ કલમ 281, 125(ફ), 125(બ) અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધ્યો છે. હાલ આ કેસની વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ મહેન્દ્રસિંહ રાણા ચલાવી રહ્યા છે.