ઉનાના તડ-ભાડસી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત: જૂનાગઢના બે યુવાન ગંભીર

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ અને ભાડસી ગામ વચ્ચે મોડી રાત્રે બે મોટરસાયકલ સામ સામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં જૂનાગઢના…

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ અને ભાડસી ગામ વચ્ચે મોડી રાત્રે બે મોટરસાયકલ સામ સામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં જૂનાગઢના બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢના નિકુંજભાઈ હરદાસ ભાઈ વઘાસીયા (ઉં.વ. 32) અને આશિષ ભાઈ વિનુ ભાઈ વડાલીયા (ઉં.વ. 38) દીવ ખાતેથી પરત જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તડ-ભાડસી ગામ નજીક સામેથી આવી રહેલા અન્ય બાઈક સાથે તેમનું બાઈક ટકરાયું હતું.

અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવાનો બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાત્રિના સમયે બનેલી ઘટનાથી સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ઘાયલ યુવાનોને 108 મારફતે પ્રાથમિક સારવાર આપીને ઉનાની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. બનાવ અંગે ઉના પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સામેના બાઈક ચાલકની સ્થિતિ અંગે હજુ વિગતો સ્પષ્ટ થઈ નથી.