Site icon Gujarat Mirror

હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાનો ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો

હરિયાણા રાજ્યના પૂર્વ ધારાસભ્યની થોડા સમય પૂર્વે થયેલી ઘાતકી હત્યા પ્રકરણમાં આડકતરી રીતે સંડોવાયેલા એક શખ્સને એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા વિસ્તારમાંથી દબોચી લીધો હતો. આ શખ્સ સામે અગાઉ કલ્યાણપુર તાલુકામાં પણ એક ગંભીર ગુનો નોંધાઈ ચૂક્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત તારીખ 25 ફેબ્રુઆરી 2024ના રોજ હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ નેફ સિંહ રાઠીની કોન્ટ્રાક્ટ કીલિંગ મારફતે અજાણ્યા શુટારો દ્વારા ગોળી મારીને જાહેરમાં હત્યા નિપજાવવામાં આવી હતી. આ હત્યા કેસમાં યુ.કે. બેઈઝડ ઓર્ગેનાઈઝડ કોન્ટ્રાક્ટર કિલિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી કપિલ સાંગવાન દ્વારા તેની તેમના ગેંગના શૂટરો અતુલ રાજેશકુમાર સાંગવાન (રહે. ખેડી, જિ. જજ્જર તથા નકુલ સાંગવાન (રહે. શિરોહી, જી. મહેન્દ્રગઢ) મારફતે આયોજનબધ્ધરીતે કરવામાં આવી હોવાનું જાહેર થયું હતું.

ઉપરોક્ત આરોપીઓએ હત્યાનો ગુનો આચરતા પહેલાના થોડા દિવસો અગાઉ હત્યા કરીને વિદેશ ફરાર થઈ જવા માટે ગુજરાતના તથા મહારાષ્ટ્રના અલગ અલગ પાસપોર્ટ એજન્ટો મારફતે દસ્તાવેજ બનાવટી દસ્તાવેજના આધારે પાસપોર્ટની પ્રક્રિયા કરી આરોપી અતુલ રાજેશકુમારએ યશ સોલંકી તથા અન્ય આરોપી નકુલ સાંગવાનએ દીપક સોલંકી નામનો બોગસ પાસપોર્ટ મેળવી લીધો હતો. આ પ્રકરણમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતે રહેતા અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા જાહીર અબ્બાસ રાફુદીન અબ્દુલ કાદિર કાલીયા નામના 49 વર્ષના સુન્ની મુસ્લિમ શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.

આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લામાં ગંભીર ગુના આચરીને નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે એસ.ઓ જી. વિભાગ દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા તથા કિશોરસિંહ બી. જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત આરોપી જાહીર અબ્બાસ કાલિયા નામના શખ્સની સંડોવણી હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લામાં થોડા સમય પૂર્વે આઈપીસી કલમ 419, 420, 467, 468, 471, 120 (બી) અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, અને છેલ્લે આશરે ચારેક મહિનાથી ઉપરોક્ત શખ્સ જુદા જુદા સ્થળોએ નાસતો ફરતો હોય, આ શખ્સ ખંભાળિયામાં આવ્યો હોવાની બાતમી પરથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર જોઈન્ટ ઓપરેશન હરિયાણાના એસ.ટી.એફ. (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) ની ટીમ સાથે કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત આરોપી જાહીર અબ્બાસ રાફુદીન અબ્દુલ કાદિર કાલીયા સામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ પાસપોર્ટ એજન્ટ તરીકે અગાઉ અટકાયત કરવામાં આવી હતી.

Exit mobile version