શહેરીજનોનોે વિરોધ થયા બાદ પદાધિકારીઓએ ક્યારેય આ પ્રોજેક્ટ નહીં બનાવવાની જાહેરાત કરી અને અધિકારીઓએ ટેન્ડર બહાર પાડ્યું
રમત-ગમતને પ્રોત્સાહિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે પૈકી સૌથી વધુ વિખ્યાત ક્રિકેટની રમતમાં યુવાનોને વધુ ટ્રેનીંગ આપી શકાય તે મુજબના બોક્સ ક્રિકેટ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવેલ અને એક સ્થળ ઉપર બોક્સ ક્રિકેટની જાહેરાત થયા બાદ તેનો બારે વિરોધ થતાં પદાધિકારીઓએ શહેરના અલગ અલગ સ્થળે બોક્સ ક્રિકેટ બનાવવાનો પ્રોજેક્ટ પડતો મુકી કોર્પોરેશન હવે પછી ક્યારેય બોક્સ ક્રિકેટ નહીં બનાવે તેવી જાહેરાત કરી હતી. જેનું ફક્ત ટુંકા સમયમાં જ સુરસુરિયુ થઈ ગયું હોય તેમ ફરી એક વખત કાલાવડ રોડ ઉપર બોક્સ ક્રિકેટ બનાવવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં યુવાનોને ક્રિકેટની ટ્રેનીં મુળભૂત રિતે મળી શકે તે માટે મનપાએ બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લીધો હતો. જેના માટે મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં ખાલી પ્લોટનો સર્વે કર્યા બાદ સાધુવાસવાણી રોડ ઉપર બોક્સ ક્રિકેટ બનાવવાની જાહેરાત કરી ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પરંતુ આ વિસ્તારના લોકોએ ભારે વિરોધ કરતા અંતે આ પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો હતો. અને રેસકોર્સની અંદર સ્નાનાારની બાજુમાં બોક્સ ક્રિકેટ બનાવવામાં આવે તેવો નિર્ણય લેવાયેલ પરંતુ તેનો પણ વિરોધ થતાં અંતે પદાધિકારીઓએ અધિકારીઓની હાજરીમાં જણાવેલ કે, લોકોનો વિરોધ છે તે પ્રકારના પ્રોજેક્ટ મહાનગરપાલિકા કરશે નહીં અને આથી આ પ્રકારના બોક્સ ક્રિકેટ ભવિષ્યમાં પણ મહાનગરપાલિકા નહીં બનાવે તેમ કહી આ પ્રોજેક્ટને આજથી પડતો મુકવામાં આવે છે. તેવી જાહેરાત કરી હતી.
આ જાહેરાતની જાણકારી મહાનગરપાલિકાના અધિકારીઓને પણ હોય છે. છતાં મનપાએ પદાધિકારીઓએ લીધેલી પ્રતિજ્ઞા કે, જાહેરાતને ઘોળીને પી જવાનો મનસુબો કર્યો હોય તેમ પરિમલ સ્કૂલ પાસે કે.કે.વી. અંડરબ્રીજની નીચે બોક્સ ક્રિકેટ બનાવવાનું રૂા. 46.40 લાખનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. જેની જાણકારી પદાધિકારીઓને ન હોય તેમ માની શકાય તેમ નથી. છતાં અધિકારીઓ હિંમત કરી ફરી વખત બોક્સ ક્રિકેટ બનાવવાનો જાતે નિર્ણય લઈ લીધો છે.
શહેરના કાલાવડ રોડ ઉપર પરીમલ સ્કૂલની બાજુમાં કે.કે.વી. બ્રીજની નીચે બોક્સ ક્રિકેટ બનાવવા માટેનું રૂા. 46.49 લાખનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે આ સ્થળ ઉપર અલગ અલગ પ્રકારની અન્ય રમતો માટેના ઈન્ફાસ્ટ્રક્ચર માટેના ટેન્ડર પણ પ્રસિદ્ધ કર્યા છે. બોક્સ ક્રિકેટ રાજકોટમાં કોર્પોરેશન નહીં બનાવે તેની જાણકારી હોવા છતાં અન્ય રમતોની સાથો સાથ બોક્સ ક્રિકેટ ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેના લીધે આ દરખાસ્ત સ્ટેન્ડીંગકમિટીમાં આવ્યાબાદ જ્યારે પણ જાહેરાત થશે ત્યારે ફરી વખત બોક્સ ક્રિકેટ સામે લોકોનો મોરચો મંડાશે તેવુ જાણકારો કહી રહ્યા છે.
ફરી લોકોનો રોષ વહોરશે તંત્ર
શહેરમાં બોક્સ ક્રિકેટ બનાવવા માટે કોર્પોરેશને ખાલી પ્લોટનો સર્વે કરી પ્રથમ સાધુવાસવાણી રોડ ઉપર બોક્સ ક્રિકેટ બનાવવાની જાહેરાત કરેલ જેના લીધે આજુબાજુની સોસાયટીઓમાં રહેતા રહિશોએ બોક્સ ક્રિકેટ સામે વાંધો ઉઠાવી મનપામાં રજૂઆત કરેલ કે, બોક્સ ક્રિકેટના કારણે અહીંયા ન્યુસન્સ ફેલાવાનો ભય કાયમી રહેશે તેવી જ રીતે મહિલાઓને બહાર નિકળવું પણ મુશ્કેલ બની જશે જેના લીધે તંત્રએ આ પ્રોજેક્ટ પડતો મુકી પેડક રોડ ઉપર બોક્સ ક્રિકેટ બનાવવાની જાહેરાત કરેલ તેનો પણ વિરોધ થતાં આ પ્રોજેક્ટ પડતો મુકી મનપા સંચાલિત રેસકોર્સમાં બોક્સ ક્રિકેટ બનાવવામાં આવે તો તેનો વિરોધ ન થાય તેમ વિચારી રેસકોર્સ ખાતે લાવગાર્ડનની બાજુમાં બોક્સ ક્રિકેટની જાહેરાત કરેલ પરંતુ ત્યાં પણ વિરોધ થતાં અંતે બોક્સ ક્રિકેટ ન બનાવવાનો નિર્ણય લઈ હવે પછી ક્યારે પણ મનપા આ પ્રોજેક્ટ નહીં બનાવે તેવી જાહેરાત કરેલ છતાં કાલાવડ રોડ ઉપર બોક્સ ક્રિકેટ માટે ટેન્ડર કરી ફરી વખત લોકોનો રોષ વહોરવાનું સાહસ કર્યુ છે. તેવી ચર્ચા જાગી છે.

