ગુજરાત
પ્રેમીએ ઠુકરાવતા આપધાત કરવા નીકળેલી સગીરાનો જીવ બચાવતી અભયમ
મુસાફર સગીરા અંતિમ પગલુ ભરવા નીકળી હોવાની ગંધ આવતા 181માં કોલ કરી મદદ માંગતા સગીરાને હેમખેમ ઘરે પહોંચાડી
રાજ્યભરમાં મહિલાઓ માટે કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનની ટીમ ખરા અર્થમાં સાર્થક બની છે. ત્યારે રાજકોટમાં પ્રેમીએ ઠુકરાવતા આત્મહત્યા કરવા નીકળેલી સગીરનો ટીમ અભયમે જીવ બચાવી આત્મહત્યાના વિચારોથી વિમુક્ત કરી હતી. ઘરેથી નીકળી ગયેલી પુત્રીને સુરક્ષિત ઘેર પહોંચાડી પુન:મિલન કરાવનાર ટીમ અભયમની કામગીરીને પરિવારજનોએ બિરદાવી હતી.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતા એક જાગૃતિ રીક્ષા ચાલકે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી તેની રિક્ષામાં બેઠેલી મુસાફર સગીરા આત્મહત્યા કરવા જઈ રહી હોવાની જાણ કરી મદદની માંગ કરી હતી જાણ થતા જ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર રૂૂચિતા મકવાણા, કોન્સ્ટેબલ વિલાસબેન અને પાયલોટ ભાનુબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર રૂૂચિતા મકવાણાએ સગીરાને આશ્વાસન આપી કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન સગીરાનો પરિવાર મૂળ બિહારનો વતની છે અને એકાદ વર્ષથી અહીંયા પરિવાર સાથે પેટીયુ રળવા આવ્યો છે.
સગીરાને રાજકોટમાં જ રહેતા તેના ગામના યુવક સાથે છેલ્લા ત્રણેક મહિનાથી પ્રેમ સંબંધ છે અને હવે પ્રેમી યુવક સગીરાના પ્રેમને ઠુકરાવી સંબંધ રાખવાની ના પાડી ઝઘડાઓ કરતો હોવાથી સગીરાને લાગી આવ્યું હતું. જેથી આવેશમાં આવેલી સગીરા પરિવારને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને આપઘાત કરવા જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ટીમ અભયમના કાઉન્સેલરે કાઉન્સેલિંગ મારફતે સગીરાને આત્મહત્યાના વિચારમાંથી વિમુક્ત કરી હતી અને સગીરાને તેના ઘરે લઈ જવામાં આવી હતી જ્યાં પરિવારજનોને સગીરાનું ધ્યાન રાખવા સમજણ આપી હતી અને સગીરાના પ્રેમીને બોલાવી સમજણ આપવામાં આવી હતી. ટીમ અભયમની સમજણથી સગીરા અને તેના પ્રેમીએ પ્રેમથી સંબંધ ટૂંકાવી લેવાની સહમતિ દર્શાવી હતી અને સગીરાએ પણ હવે આત્મહત્યાના વિચાર નહીં કરે તેવી ખાતરી આપી હતી.
ઘરેથી નીકળી ગયેલી સગીરાને હેમખેમ ઘેર પહોંચાડનાર 181 મહિલા હેલ્પલાઇનની ટીમનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આત્મહત્યા કરવા જતી સગીરનો સૂઝબૂઝથી જીવ બચાવવા 181માં મદદ માંગનાર રીક્ષા ચાલકને પણ 181 મહિલા હેલ્પલાઈનની ટીમે બિરદાવ્યો હતો.