વેરાવળના મોરાજ ગામે તગારામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

વેરાવળ તાલુકા ના મોરાજ ગામમાંથી માનવતા શર્મ સાર થાય તેવી એક ઘટના સામે આવી છે. ગામના નવા પ્લોટ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં, તગારા જેવા…

વેરાવળ તાલુકા ના મોરાજ ગામમાંથી માનવતા શર્મ સાર થાય તેવી એક ઘટના સામે આવી છે. ગામના નવા પ્લોટ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં, તગારા જેવા વાસણમાંથી તાજું જન્મેલું નવજાત શિશુ (બાળકી) ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સ્થાનિક લોકોની નજર આ માસૂમ બાળકી પર પડતાં જ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બાળકીનો કબજો મેળવી આગળની જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ મુજબ, કોઈ અજાણી વ્યક્તિ બાળકીના જન્મ બાદ તરત જ તેને આ ખુલ્લી જગ્યામાં છોડીને ફરાર થઈ ગઈ હોવાનું અનુમાન છે. આ નિષ્ઠુર ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અત્યંત દુ:ખની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે નવજાત શિશુને તબીબી પરીક્ષણ અને આગળની પ્રક્રિયા માટે હોસ્પિટલ ખસેડ્યું છે. બાળકીને કોણ અને કયા સંજોગોમાં ત્યાં મૂકી ગયું હતું, તેની સચોટ માહિતી મેળવવા માટે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે સ્થાનિક લોકોની પૂછપરછ શરૂૂ કરી દીધી છે.
સમાજમાં નવજાત બાળકોને આ રીતે ત્યજી દેવાની વધતી ઘટનાઓએ ફરી એકવાર ગંભીર સામાજિક પ્રશ્નો ઊભા કર્યા છે. હાલમાં પોલીસે ગુનો નોંધી જવાબદાર શખ્સો સુધી પહોંચવા માટે તમામ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.