‘આપ’ના ધારાસભ્યો ઘાસના પાથરા લઇને વિધાનસભા પહોંચ્યા

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની સમસ્યાને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. અઅઙ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની…

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની સમસ્યાને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. અઅઙ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં પક્ષના નેતાઓ અને ધારાસભ્યો મગફળી સહિતના સુકાયેલા પાક સાથે વિધાનસભા પહોંચ્યા હતા. પક્ષનો દાવો છે કે ઓછા વરસાદને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ ગંભીર બની છે અને પાકને પૂરતું પાણી ન મળતા ખેતી પર મોટું સંકટ ઊભું થયું છે.

વિધાનસભામાં ખેડૂતોની સ્થિતિ સરકાર સમક્ષ રજૂ કરવા માટે ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી સહિતના નેતાઓ સુકાયેલો પાક લઈને પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાએ આક્ષેપ કર્યો કે ખેડૂતો દ્વારા બિયારણ, ખાતર, દવા, મજૂરી અને સિંચાઈ પાછળ કરવામાં આવેલો ખર્ચ વરસાદના અભાવે નિષ્ફળ જવાની સ્થિતિમાં છે. તેમણે દુષ્કાળ જાહેર કરીને ખેડૂતો ઉપરાંત ખેતમજૂરો અને પશુપાલકોને પણ રાહત-સહાય આપવાની માગ કરી છે. આપના જણાવ્યા મુજબ, સુકાયેલા પાક સાથે વિધાનસભા તરફ જતા કાર્યકરો અને ધારાસભ્યોને પોલીસે રોક્યા હતા અને પાક જપ્ત કર્યો હતો. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક છે.

તેમણે દાવો કર્યો કે કેટલાક વિસ્તારોમાં પાક સુકાઈ ગયો છે, જ્યારે પશુપાલકોને ઘાસચારા અને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઈસુદાનએ સરકારને સવાલ કર્યો કે ખેડૂતો આંદોલન કરે અથવા પરિસ્થિતિ વધુ ગંભીર બને ત્યાર બાદ જ સહાય જાહેર કરવામાં આવશે કે સરકાર અગાઉથી પગલાં લેશે. તેમણે ખેડૂતો, પશુપાલકો, શ્રમિકો અને ભાગીયા ખેડૂતોને રાહત આપવાની માગ કરી છે.

આપ દ્વારા અનેક વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરવામાં આવી રહી છે, ત્યારે સરકાર તરફથી વરસાદની સ્થિતિ, પાક નુકસાન, પાણીની ઉપલબ્ધતા અને તાલુકાવાર પરિસ્થિતિના આધારે શું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તે ગૃહમાં સ્પષ્ટ થવાની અપેક્ષા છે. વિધાનસભાના સત્તાવાર પોર્ટલ પર સત્ર સંબંધિત પ્રશ્નો, કામકાજની યાદી અને અન્ય દસ્તાવેજો ઉપલબ્ધ છે, જેના આધારે ચર્ચામાં સરકારનો પક્ષ પણ સામે આવશે.

કોંગ્રેસ MLA  ઇમરાન ખેડાવાલાએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું!
વિધાનસભા સત્રની શરૂૂઆતમાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ શરૂૂ થતાંની સાથે જ ગૃહના તમામ સભ્યો સન્માનમાં ઊભા થયા હતા, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ગાન શરૂૂ થયા બાદ થોડી જ ક્ષણોમાં પોતાની સીટ પર બેસી ગયા હતા. જ્યાં એક તરફ કોંગ્રેસના બાકીના તમામ ધારાસભ્યો અને સમગ્ર ગૃહ ગાન પૂર્ણ થાય ત્યાં સુધી અડગ ઊભા રહ્યા હતા, ત્યાં ઇમરાન ખેડાવાળાનું આ પ્રકારનું વર્તન જોઈને સભાગૃહમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી જન્મી હતી. આ ઘટનાને પગલે શાસક પક્ષ ભાજપે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના નેતાઓએ સ્પષ્ટપણે સવાલ ઉઠાવ્યો છે કે, રાષ્ટ્રગાન દરમિયાન બેસી જવું એ ઇમરાન ખેડાવાળાનું વ્યક્તિગત કૃત્ય છે કે, પછી આ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર સ્ટેન્ડ છે? ભાજપ તરફથી માગ કરવામાં આવી છે કે, કોંગ્રેસ પક્ષ ત્વરિત આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરે. સાથે જ, જો આ કૃત્ય જાણીજોઈને દેશના રાષ્ટ્રગીતનું અપમાન કરવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોય, તો તેમણે જાહેર માફી માંગવી જોઈએ. આ મામલે સરકારે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.

સબ રજિસ્ટ્રારની 146 જગ્યાઓ ખાલી
રાજ્યમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 અને ગ્રેડ-2ની મંજૂર જગ્યાઓ અંગે વિધાનસભામાં મહત્ત્વની માહિતી સામે આવી છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશકુમાર લાલજીભાઈ કસવાલાના તારાંકિત પ્રશ્નના જવાબમાં માનનીય મુખ્યમંત્રી (મહેસૂલ) તરફથી જણાવવામાં આવ્યું છે કે તા. 31 જુલાઈ 2026ની સ્થિતિએ રાજ્યમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1ની કુલ 205 જગ્યાઓ અને સબ રજિસ્ટ્રાર ગ્રેડ-2ની કુલ 344 જગ્યાઓ મંજૂર છે. આ પૈકી ગ્રેડ-1ની 149 જગ્યાઓ ભરાયેલી છે અને 56 જગ્યાઓ ખાલી છે. જ્યારે ગ્રેડ-2ની 254 જગ્યાઓ ભરાયેલી છે અને 90 જગ્યાઓ ખાલી પડી છે. આમ બંને ગ્રેડની કુલ 549 મંજૂર જગ્યાઓમાંથી 403 ભરાયેલી અને 146 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ ભરવા છેલ્લા બે વર્ષમાં શી કાર્યવાહી કરવામાં આવી તે પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું છે કે જગ્યાઓ ભરાવી અને ખાલી થવી એ સતત ચાલતી પ્રક્રિયા છે. વહીવટી અનુકૂળતા મુજબ સમયાંતરે ખાલી જગ્યાઓની સમીક્ષા કરી સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 અને ગ્રેડ-2 સંબંધિત ખાલી જગ્યાઓ પર સીધી ભરતી તેમજ બઢતીથી જગ્યાઓ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસૂલ વિભાગ હેઠળના સબ રજિસ્ટ્રાર કાર્યાલયો જમીન-મિલકતના દસ્તાવેજોની નોંધણીનું મહત્ત્વનું કામ સંભાળે છે. ખાલી જગ્યાઓને કારણે કેટલાક કચેરીઓમાં કામનો બોજ વધે અને નાગરિકોને વિલંબનો સામનો કરવો પડે તેવી શક્યતા રહે છે. સરકારનું કહેવું છે કે ભરતી અને બઢતીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે, જેથી ખાલી પડેલી જગ્યાઓ ભરી શકાય.