Site icon Gujarat Mirror

ભેળસેળયુક્ત દાણથી પશુ-મરઘાનું મોત થાય તો 10 વર્ષની કેદ

ગાય-ભેંસ-ઘેંટા-બકરા-મરઘા સહિતના પશુધન માટે આહારના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર ગુણવતા નિયંત્રણ માટે વિધેયક રજૂ

ગુજરાતમાં પશુપાલકોના હિતોનું રક્ષણ કરવા અને દૂધ-ઈંડાં જેવા ઉત્પાદનો મારફતે માનવ સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો રોકવા માટે રાજ્ય સરકારે કાયદાકીય સકંજો કસવાની તૈયારી કરી છે. પશુ આહાર (લાઈવસ્ટોક ફીડ), મરઘાં આહાર (પોલ્ટ્રી ફીડ) અને મિનરલ મિક્સચરના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ગુણવત્તા નિયમન માટે સરકારે એક મહત્વપૂર્ણ વિધેયક તૈયાર કર્યું છે, જે ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદા હેઠળ પશુ આહારમાં જીવલેણ ભેળસેળ કરનારા તત્વો સામે કડક જેલની સજા અને લાખો રૂૂપિયાના આર્થિક દંડ સહિત લાયસન્સ રદ કરવા જેવી જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રજૂ કરવામાં આવેલા વિધેયકના ઉદ્દેશ્યો અને કારણોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 96.34 લાખ ગાયો, 105.43 લાખ ભેંસો (દેશમાં ત્રીજું સ્થાન), 17.87 લાખ ઘેટાં, 48.68 લાખ બકરાં અને 217.73 લાખ મરઘાં સહિત પશુધનનો મોટો ભંડાર છે. આમ છતાં, અત્યાર સુધી રાજ્યમાં પશુ આહારના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર ગુણવત્તા નિયંત્રણ રાખવા માટે કોઈ કાયદાકીય માળખું ઉપલબ્ધ નહોતું. નવા કાયદા હેઠળ ઉત્પાદકો માટે પ્રતિબંધિત એન્ટિબાયોટિક્સ, ફાર્માકોલોજિકલ પદાર્થો કે અન્ય ભેળસેળિયા તત્વોના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવશે. આ સાથે તમામ ઉત્પાદકો, વિક્રેતાઓ અને વિતરકોએ સક્ષમ સત્તાધિકારી પાસેથી નિયત શરતો મુજબનું લાયસન્સ મેળવવું ફરજિયાત બનશે.

સજા અને દંડની જોગવાઈઓની વાત કરીએ તો, જો કોઈ ઉત્પાદક કે વિક્રેતા દ્વારા વેચાયેલા ભેળસેળયુક્ત પશુ આહારના કારણે પશુ કે મરઘાંનું મોત થશે, તો ગુનેગારને 7 થી 10 વર્ષ સુધીની સખત કેદ અને રૂૂ. 10 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો ભેળસેળના કારણે પશુનું મોત ન થયું હોય તો પણ એક વર્ષ સુધીની કેદ અને રૂૂ. 5 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, સબ-સ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાવાળા) ઉત્પાદન માટે રૂૂ. 5 લાખ સુધીનો દંડ અને એક વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ થશે, જ્યારે મિસબ્રાન્ડિંગ કે ગેરમાર્ગે દોરતી વેપાર પદ્ધતિ બદલ રૂૂ. 5 લાખનો દંડ અને ત્રણ વર્ષ માટે લાયસન્સ રદ કરવામાં આવશે. ગુજરાતમાં ઉત્પાદિત માલ ઉપરાંત અન્ય રાજ્યો કે વિદેશમાંથી લાવી ગુજરાતમાં વેચાતા ફીડ પ્રોડક્ટ્સ પર પણ આ કડક માપદંડો લાગુ પડશે.

કાયદાના અમલીકરણ માટે વહીવટી માળખું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જેમાં પશુપાલન નિયામક કંટ્રોલિંગ ઓથોરિટી રહેશે, જ્યારે પ્રાદેશિક સંયુક્ત નિયામક (વર્ગ-1) લાયસન્સિંગ ઓથોરિટી તરીકે કામ કરશે. તેમજ મદદનીશ નિયામક (વર્ગ-2) કક્ષાના અધિકારીઓને નિરીક્ષણ અધિકારી તરીકે નિયુક્ત કરાશે. કાયદાકીય માર્ગદર્શન માટે પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ કે પ્રિન્સિપાલ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને નિષ્ણાતોની એક કમિટી રચાશે. જોકે, પોતાના પશુઓ કે મરઘાંના અંગત વપરાશ માટે જાતે જ ખોરાક તૈયાર કરતા સ્થાનિક ખેડૂતો તેમજ સંશોધન હેતુ માટે ફીડ તૈયાર કરતી કૃષિ-પશુપાલન યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને આ કાયદાના લાયસન્સિંગ દાયરામાંથી મુક્તિ આપવામાં આવી છે.

Exit mobile version