લગ્નની લાલચ આપી મળવા બોલાવી, યુવતી તેની માતા સાથે પહોંચતા ખબર પડી કે યુટયુબર પરિણીત અને એક સંતાનનો પિતા છે
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક 21 વર્ષીય યુવતીએ રાજકોટના જાણીતા યુટ્યુબર રવિપુરી ગોસ્વામી, તેની પત્ની અને એક મિત્ર વિરુદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુટ્યુબર પર પૈસા કમાવાની લાલચ આપીને યુવતીને ફસાવી તેને રાજકોટ બોલાવી શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવતી તેને મળવા ઘરે પહોંચી ત્યારે તેને ખબર પડી કે તે પરિણીત છે અને એક સંતાનનો પિતા પણ છે.
બનાવની વિગતો મુજબ પાંચ વર્ષ પહેલાં જ્યારે યુવતી 17 વર્ષની હતી, ત્યારે તે સોશિયલ મીડિયા પર પજીગલીથ અને પખજૂરથ જેવી ચેનલોના વીડિયો જોતી હતી. આ દરમિયાન તે વીડિયો પર કોમેન્ટ પણ કરતી હતી. તે સમયે દેવલ મકવાણા નામના એક વ્યક્તિએ તેને મેસેજ કર્યો અને પૈસા કમાવા માટે પોતાના અવાજવાળો વીડિયો મોકલવાનું કહ્યું. યુવતીએ પોતાના મોબાઈલ નંબર અને નામ સાથે વીડિયો મોકલ્યો. ત્યારબાદ દેવલ મકવાણાએ તેને જણાવ્યું કે, તે રવિપુરી હરીશપુરી ગોસ્વામી, જે ચિંગારી એપ્લિકેશનના મેનેજર છે, તેમનો નંબર આપશે.
રવિપુરી ગોસ્વામી (રહે. શેરી.1, મોચી કોમ્યુનિટી હોલની પાસે, રાજકોટ) સાથે યુવતીનો સંપર્ક થયો. બંને વચ્ચે વીડિયો બનાવવા અંગે વાતચીત થવા લાગી અને ધીમે ધીમે મિત્રતા કેળવાઈ. રવિપુરીએ તેને રાજકોટ બોલાવી. યુવતી પોતાના માતા-પિતા સાથે રાજકોટ ગઈ અને તેઓ એક હોટલમાં રોકાયા. રવિપુરીએ બતાવેલી હોટલમાં યુવતી તેને મળવા ગઈ, જ્યાં તેણે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા. ગભરાઈને યુવતી તાત્કાલિક ત્યાંથી નીકળી પોતાની હોટલ પર પરત આવી ગઈ અને સુરત આવી ગઈ. આ ઘટના બાદ પણ રવિપુરીએ યુવતી સાથે સંપર્ક જાળવી રાખ્યો અને પોતે અપરણિત હોવાનું જણાવી લગ્નની લાલચ આપી. તેણે આજીવન સાથે રહેવાના વાયદા પણ આપ્યા. આ વાત યુવતીએ પોતાના માતા-પિતાને જણાવી હતી. ત્રણ વર્ષ બાદ ફરીથી રવિપુરીએ યુવતીને મળવા માટે રાજકોટ બોલાવી. આ વખતે યુવતી પોતાની માતા સાથે રાજકોટ ગઈ. હોટલમાં રવિપુરીએ ફરીથી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી. યુવતીએ તેને ધક્કો મારી હોટલમાંથી બહાર નીકળી ગઈ અને પોતાની માતાને સમગ્ર ઘટના જણાવી.
આ ઘટના બાદ યુવતી અને તેના માતા-પિતાએ રવિપુરી ગોસ્વામીનું સરનામું શોધીને રાજકોટ પહોંચ્યા. તેમને જાણ થઈ કે તે મોરબીના માળિયા નજીક આવેલ ખાખરેચી ગામમાં રહે છે. જ્યારે તેઓ રવિપુરીના ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાં તેની માતા, પત્ની, ભાભી અને મિત્ર બંટી હાજર હતા. યુવતીને ત્યારે જ ખબર પડી કે રવિપુરી પરિણીત છે અને તેને એક બાળક પણ છે. આ અંગે વધુ પૂછપરછ કરતાં રવિપુરી અને તેના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા. રવિપુરીના મિત્ર બંટીએ યુવતીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી. રવિપુરીની પત્નીએ યુવતીને ઢીકા-મુક્કીનો માર માર્યો અને તેની માતાને પણ માર માર્યો. આ સમગ્ર ઘટનાથી ગભરાઈને યુવતી અને તેનો પરિવાર સુરત પરત ફર્યા અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં રવિપુરી ગોસ્વામી, તેની પત્ની અને મિત્ર બંટી વિરુદ્ધ છેડતી, મારપીટ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

