Site icon Gujarat Mirror

પરસાણા ચોકમાં કોમ્પ્લેક્ષમાં કામ કરતા યુવાન પર મારબલ પડતા મોત: એકને ઇજા

શહેરમાં પરસાણા ચોકમાં કોમ્પ્લેક્ષમાં મારબલનું કામ કરતી વખતે પથ્થર પડતા બે યુવાનને ઇજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પરાપીપળયા આવેલા 25 વારીયા ક્વાર્ટરમાં રહેતો સત્યેન્દ્ર રામપ્રકાશ યાદવ નામનો 21 વર્ષનો યુવાન અને આકાશ સર્વકુમાર યાદવ (ઉ.વ.20) પરસાણા ચોક નજીક આવેલા ઓર્બીટ કોમ્પ્લેક્ષમાં કામ કરતા હતા. ત્યારે માથે પથ્થર પડતા બંને યુવકને ઇજા પહોંચી હતી. બંને યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્ય હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સત્યેન્દ્ર યાદવનું સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને બે ભાઈ એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. યુવાન કોમ્પ્લેક્ષમાં મારબલ લગાડવાનું કામ કરતો હતો. ત્યારે પથ્થર માથે પડતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version