રણુજા મંદિર પાસે ગેસનો બાટલો ફાટતા દાઝી ગયેલા યુવાને સારવારમાં દમ તોડયો

હંસરાજનગરમાં શુક્રવારે રાત્રે બનેલી ઘટનામાં પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા’તા શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા હંસરાજનગરમાં ગત શુક્રવારે રાત્રે…

હંસરાજનગરમાં શુક્રવારે રાત્રે બનેલી ઘટનામાં પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા’તા

શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા હંસરાજનગરમાં ગત શુક્રવારે રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટતા પરપ્રાંતિય પરિવારના મહિલા સહિત પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં ગંભીર રીતે દાજેલા 26 વર્ષિય યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનામાં ઓરડીના પતરા પણ હવામાં ઉડી ગયા હતાં અને ભારે ધડાકાના અવાજના કારણે આસપાસના લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલા હંસરાજનગરમાં ભાડાની ઓરડીમાં રહેતા અને મુળ યુપીના સતંદર તેજબહાદુર ચૌહાણ (ઉ.વ. 26), રિમાબેન હિતેશભાઈ પનોજીયા (ઉ.વ. 23), વિજય જયપ્રકાશભાઈ ચૌહાણ (ઉ.વ. 26), વિશાલ જયપ્રકાશભાઈ ચૌહાણ (ઉ.વ.23) અને શિવમ વિજયકુમાર ચૌહાણ (ઉ.વ. 23) ગત શુક્રવારે રાત્રીના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઓરડીમાં હતા તે દરમ્યાન ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા આગ ભભુકી ઉઠતા ગંભીર રીતે દાઝી ગયા હતા. પાંચેય લોકોને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમીક તપાસમા વિજય અને વિશાલ બંને સગા ભાઈઓ હોવાનુ અને કોઠરીયા રોડ ઓરડીમાં રહેતા પરપ્રાતિય પરિવારમાં રાત્રિના સમયે રસોઈ બનાવવાની તૈયારીઓ કરતા હતા તે દરમિયાન ગેસનો બાટલો ખાલી થઈ જતાં નવો બાટલો ચડાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે નવો બાટલો લીકેજ હતો. જેવો રસોઈ માટે ગેસ સળગાવવામાં આવતા તરત જ લીકેજ ગેસના કારણે આગ ભભુકી હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ અને દાઝેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં મહિલા સહિત તમામ લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલા વિજય ચૌહાણનું સારવાર દરમિયાન આજે સવારે હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.