Site icon Gujarat Mirror

વાછકપર બેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવકને બેફામ માર મારી પત્નીનું અપહરણ

રાજકોટ શહેરના વાછકપર બેડી ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્નથી નારાજ પિયર પક્ષના સભ્યોએ દીકરીનું તેના સાસરેથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીના વતની અને હાલ રાજકોટમાં રહેતા 27 વર્ષીય રોનીલભાઈ અમૃતભાઈ ચંદ્રાલાએ આ મામલે પોતાના પત્નીના સંબંધીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રોનીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે આશરે છ માસ પૂર્વે મોરબીની ઇશીતાબેન કુકરવાડીયા સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં અમરેલી જિલ્લાના કુકાવાવ ખાતે કાયદેસરના પ્રેમલગ્ન કર્યા હતા.

ઘટનાની વિગતો મુજબ, ગત 14 એપ્રિલ 2026ની મોડી રાત્રે આશરે પોણા એક વાગ્યાના અરસામાં જ્યારે ફરિયાદી રોનીલભાઈ તેમના પરિવાર સાથે વાછકપર બેડી ગામે ઘરે હાજર હતા, ત્યારે પત્નીના પિયર પક્ષના સભ્યો ત્યાં ધસી આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઇશીતાબેનના મોટા બાપુ કિશોરભાઈ કુકરવાડીયા, તેમનો પુત્ર જયભાઈ, મામાનો દીકરો આકાશભાઈ ગામી અને ફઈનો દીકરો કુલદીપભાઇ ધોડાસરા સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. આ શખ્સોએ ફરિયાદીના પરિવારને બિભત્સ ગાળો આપી ધાકધમકી આપી હતી. આ દરમિયાન આકાશભાઈ નામના શખ્સે ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે કિશોરભાઈએ રોનીલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ઇશીતાબેનને પોતાની સાથે ઘરે આવવા દબાણ કર્યું હતું.

આ હુમલા બાદ આરોપીઓ ઇશીતાબેનને બળજબરીથી પકડીને ઘરની બહાર લઈ ગયા હતા અને ત્યાં ઉભેલી એક ફોર-વ્હીલર કારમાં બેસાડી તેમનું અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, શરૂૂઆતમાં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ઘરમેળે સમાધાનની વાતો ચાલતી હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ બે દિવસ વિતવા છતાં પત્નીનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે કાયદાનો આશરો લીધો છે. કુવાડવા રોડ પોલીસે આ મામલે બી.એન.એસ.ની વિવિધ કલમો જેવી કે 140(3), 115(2), 352 અને 127(3) હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version