Site icon Gujarat Mirror

કાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધા

શહેરના કાલાવડ રોડ પર ટાર્ગેટ પાન અને ધ ગ્રેટ પંજાબી ધાબા હોટલ નજીક લૂંટની ગંભીર ઘટના સામે આવી છે. આણંદપર (બાઘી પાદર) ગામના વતની અને ઢોર ચરાવી પરિવારનું ગુજરાન ચલાવતા 35 વર્ષીય દેવજીભાઈ મોહનભાઇ જખાનીયા પોતાના 15 વર્ષીય ભાણેજ મેહુલ સાથે એક્ટિવા મોટરસાઇકલ પર કણકોટ ગામ સ્થિત સગાના ઘરે જઈ રહ્યા હતા. બપોરના આશરે ત્રણ વાગ્યાના સુમારે કાલાવડ રોડ પર આગળ જઈ રહેલા દૂધીયા રંગના એક્સેસ મોટરસાઇકલ ચાલકની સામે ભૂલથી જોતાં જ તે રસ્તા પર ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મોટરસાઇકલ સાઇડમાં રખાવી ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું અને ફોન કરીને પોતાના અન્ય બે સાગરીતોને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા.

ત્યારબાદ મોટરસાઇકલ પર આવી પહોંચેલા અન્ય બે શખ્સો પૈકી એકે કેસરી કલરનો શર્ટ અને બ્લુ જીન્સ તથા બીજાએ કાળા કલરનો શર્ટ અને પેન્ટ પહેરેલ હતો. ત્રણેય જણાએ ભેગા મળીને ફરિયાદીને ગાળો બોલી ઢોરમાર મારવાનું શરૂૂ કરતાં 15 વર્ષીય ભાણેજ ડરીને રસ્તાની સામેની સાઈડ ભાગી ગયો હતો. ફરિયાદીએ નજીકની હોટલ પાસે જઈ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ ત્યાં પહોંચીને પણ હુમલો ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન કાળા કપડાં પહેરેલા શખ્સે છરી બતાવી “ધોદા મારી દેતા વાર નહીં લાગે” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી કેસરી શર્ટ પહેરેલા શખ્સે ફરિયાદીના વાળ પકડી ખેંચી સાઇડમાં લઈ જઈ છરી બતાવી હતી અને જમણા હાથમાં પહેરેલું 500 ગ્રામનું ચાંદીનું કડું (કિંમત રૂૂ. 50,000) બળજબરીથી કાઢી લીધું હતું. સાથોસાથ કાળા કપડાં વાળા શખ્સે જમણા કાનમાં પહેરેલી 3 ગ્રામની સોનાની કળી (કિંમત રૂૂ. 42,000) બળજબરીથી ખેંચી લીધી હતી.

હુમલાખોરોએ બળજબરીથી સોનાની કડી ખેંચી લેતાં ફરિયાદીના કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. કુલ ₹92,000ની મત્તાની લૂંટ ચલાવી ત્રણેય અજાણ્યા આરોપીઓ પોતપોતાના વાહન પર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ભયાનક ઘટના બાદ ઈજાગ્રસ્ત ફરિયાદીએ પોતાના ભાણેજ સાથે ગોરીદળ ગામે ડોક્ટર પાસે પહોંચી સારવાર લીધી હતી, જ્યાં તેમના કાનમાં એક ટાંકો લેવો પડ્યો હતો. બનાવ અંગે અગાઉ પોલીસમાં અરજી આપવામાં આવી હતી, પરંતુ ફરિયાદી સામાજિક કામે બહારગામ રોકાયેલા હોવાથી તા.31/08ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ તાલુકા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 309(6), 54 તથા ગુજરાત પોલીસ એકટ કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પોલીસ કમિશ્નર સાહેબના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી તીક્ષ્ણ હથિયાર વડે લૂંટ ચલાવવા અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ આલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

Exit mobile version