Site icon Gujarat Mirror

ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે એક યુવાનની અટકાયત

પોલીસે રૂા.16,800ની કિંમતની 24 નંગ ચાઈનીઝ દોરાની ફિરકીઓ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

 

આગામી દિવસોમાં મકરસંક્રાંતિના તહેવારો આવતા હોય, આ દિવસોમાં ચાઈનીઝ દોરા, તુક્કલ વિગેરેના કારણે વ્યાપક નુકસાની થતી હોવાથી જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના મુજબ રવિવારે પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન અહીંના પોરબંદર માર્ગ પર આવેલી ગંગા જમના હોટલ પાસેથી જીતેન્દ્રભાઈ મગનભાઈ રાઠોડ (ઉ.વ. 48, રહે. કોલવા) ને રૂૂપિયા 16,800 ની કિંમતની 24 નંગ ચાઈનીઝ દોરાની ફીરકીઓ સાથે ઝડપી લઇ, તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉતરાયણના તહેવારોમાં પતંગ ચગાવવા માટે પ્લાસ્ટિક, સિન્થેટિકના દોરા, ચાઈનીઝ તુક્કલ, લેન્ટર્સ વિગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે માનવ જાત ઉપરાંત પશુ-પક્ષીઓ પણ રીતે ઈજાગ્રસ્ત બને છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક અને સિન્થેટિક મટીરીયલ, ચાઈનીઝ તુક્કલ, વિગેરેના ઉપયોગ સામે પ્રતિબંધ મૂક્યો છે. આથી લોકોએ આવી ચીજ વસ્તુઓનું વેચાણ કે ઉપયોગ ન કરવા ખંભાળિયા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. જોશી સાથે પી.એસ.આઈ. યુ.કે. જાદવ અને સ્ટાફના સામતભાઈ ગઢવી, ભરતભાઈ જેમોડ, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version