Site icon Gujarat Mirror

પિતરાઈના બાઈકમાંથી ઉતરી રસ્તો ઓળંગતા યુવકને ટ્રકચાલકે કચડી નાખ્યો

ગોંડલ ચોકડી પાસેની ઘટના; ટ્રકચાલક વિરૂધ્ધ નોંધાતો ગુનો

મોરબી રોડ પર આવેલી બજરંગ સોસાયટીમાં રહેતાં મુકેશ રામજીભાઈ માનાણી નામનો 41 વર્ષનો યુવાન ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં પોૅતાના ફઈના દીકરા જીતેશભાઈ સોલંકીના બાઈક પાછળ બેસીને જઈ રહ્યો હતો.

ત્યારે ગોંડલ ચોકડી પાસે પહોંચતાની સાથે જ મુકેશભાઈ માનાણી ફઈના દીકરાના બાઈક પાછળથી ઉતરી રોડક્રોસ કરવા જઈ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-3-સીએમ-0862 નંબરના ટ્રક ચાલકે મુકેશ માનાણીને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક મુકેશભાઈ માનાણી ત્રણ ભાઈમાં એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.મુકેશભાઈ માનાણી ફઈના દીકરાના બાઈક પાછળ બેસી સાંઈબાબા સર્કલ પાસે કામ સબબ જઈ રહ્યો હતો ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મૃતક મુકેશભાઈ માનાણીના પિતા રામજીભાઈ માનાણીએ આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version