Site icon Gujarat Mirror

દ્વારકામાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝી અપાવવાના નામે યુવક સાથે નવ લાખની છેતરપિંડી

દ્વારકામાં એક આસામીને જાણીતા કુલચા રેસ્ટોરન્ટના નામની ફ્રેન્ચાયસી આપવાની બાબતે રૂૂ. 9,00,000 ની રકમ લઇ અને ત્યાર બાદ માણસો પરત બોલાવી, છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં મુરલીધર મંદિરની સામે રેલવે સ્ટેશન રોડ પર રહેતા દેવશીભાઈ ડાડુભાઈ કરંગીયા (ઉ.વ. 33) દ્વારા અમદાવાદમાં ન્યુ સી.જી. રોડ – ચાંદખેડા ખાતે રહેતા બલરાજસિંહ સાલવંતસિંહ પન્નુ નામના શખ્સ સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે કે આરોપી બલરાજસિંહએ ફરિયાદી દેવશીભાઈને જાણીતા કુલચા રેસ્ટોરન્ટના નામની ફ્રેન્ચાયસી લેવા માટે મીઠી મીઠી વાતો કરી અને ભોળવી લીધા બાદ વિશ્વાસમાં લઈને ફ્રેન્ચાઇઝીના નામે રૂૂપિયા પાંચ લાખ નોટરી પેટે તથા રૂૂપિયા સાડા ત્રણ લાખ કિચન સેટ અપના અને રૂૂપિયા 50 હજાર સ્ટાફના એડવાન્સ પેટે લીધા હતા.

આમ, કુલ રૂૂપિયા નવ લાખની રકમ લઈને તેને ફ્રેન્ચાઇઝી ચાલુ કરાવ્યા બાદ એક માસમાં માણસો પરત બોલાવી લઈ અને રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધું હતું. આ રીતે દેવશીભાઈ કરંગીયા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોય, જેને અનુલક્ષીને મેઈન બ્રાંચ ખાતે આરોપીને રૂૂબરૂૂ મળી અને પૈસા પરત આપવાનું કહેતા આરોપીએ પૈસા આપવાની ના કહી દીધી હતી. આટલું જ નહીં, જો તેઓ ફરીવાર પૈસા માંગવા આવશે તો ટાંટિયા ભાંગી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Exit mobile version