Site icon Gujarat Mirror

માળિયા-મિયાણાના અણિયારા ટોકનાકા પાસે નાસ્તો કરતા યુવકની ઘાતકી હત્યા; વચ્ચે પડેલા મિત્રને ઈજા

પૈસાની લેતી દેતીમાં ખૂની ખેલ ખેલાયાની આશંકા; હુમલાખોર અજાણ્યા શખ્સોની સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ

મુળ મોરબીના જેતપર ગામના વતની અને હાલ મોરબીમાં રહેતો યુવાન પોતાના મિત્ર સાથે અણિયારા ટોલનાકા પાસે નાસ્તો કરતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. જ્યારે વચ્ચે પડેલા યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા થયાની શંકાએ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના જેતપર ગામના વતની અને હાલ મોરબીમાં આવેલા મહિન્દ્રનગર વિસ્તારમાં પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતો અનિલ હરીલાલ કંડીયા નામનો 28 વર્ષનો યુવાન પોતાના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા (ઉ.27) સાથે હળવદ હાઈવે પર અણીયારા ટોલનાકા પાસે આવેલી ધેૈર્ય હોટલ ખાતે નાસ્તો કરતાં હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ અનિલ કંડીયા પર છરી વડે હુમલો કરી પડખા અને સાથળના ભાગે બે ઘા ઝીંકી દીધા હતાં. મિત્રને બચાવવા વચ્ચે પડેલા વિવેક અઘારા પર પણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા અનિલ કંડીયાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક અનિલ કંડીયા એક ભાઈ એક બહેનમાં નાનો હતો અને છેલ્લા આઠ વર્ષથી મોરબી રહી ડ્રાઈવીંગ કામ કરતો હતો. જ્યારે ઈજાગ્રસ્ત વિવેક અઘારા બે ભાઈમાં નાનો છે. અજાણ્યા શખ્સોએ પૈસાની લેતી દેતીમાં અનિલ કંડીયા પર હુમલો કરી હત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે. હત્યાનું કારણ જાણવા અને હત્યારા શખ્સોને ઝડપી લેવા માળીયા મીયાણા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો દૌર લંબાવ્યો છે.

Exit mobile version