બોટાદમાં પરિણીત યુવતીના પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા, ચાર સામે ગુનો નોંધાયો

બોટાદમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાણપુર પોલીસે આ મામલે ચાર આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક…

બોટાદમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાણપુર પોલીસે આ મામલે ચાર આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક યુવક હર્ષ ચૌહાણ બોટાદ શહેરના ખોડીયારનગર-2 વિસ્તારનો રહેવાસી હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક હર્ષ ચૌહાણને અળવ ગામની એક પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આ યુવતીના લગ્ન કાનીયાડ ગામે થયા હતા.

ગત 5 જૂનની રાત્રે યુવતીએ હર્ષને કાનીયાડ ખાતે મળવા બોલાવ્યો હતો. આ વાતની જાણ યુવતીના સાસરી પક્ષ અને પિયર પક્ષના લોકોને થતાં તેઓએ કાનીયાડ અને અળવ ગામ વચ્ચે યુવતીને મળવા જતાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

ગંભીર રીતે ઘાયલ થયેલા હર્ષે પોતાના ભાઈ કરણ ચૌહાણને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જેને પગલે પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હર્ષને સારવાર માટે પહેલાં બોટાદ અને પછી ભાવનગર ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ કરણ ચૌહાણની ફરિયાદના આધારે રાણપુર પોલીસે ચાર વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં કાનીયાડ ગામના પરેશ ભરત ચૌહાણ અને ભરત મોહન ચૌહાણ તેમજ અળવ ગામના વલ્લભ શીવા અને પારસ શીવાનો સમાવેશ થાય છે. રાણપુર પોલીસે આ ચારેય આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.