ગુજરાત
લિવ ઇનમાં રહેતા યુવાનનો પ્રેમિકાના ત્રાસથી આપઘાત
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને લિવ ઇનમાં સાથે રહેતી પ્રેમિકાના ત્રાસથી ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં રહેતા અમિતભાઈ ગોરધનભાઈ ગોંડલીયા નામનો 37 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં અમિત ગોંડલીયા મૂળ ચોટીલાના હીરાસર ગામનો વતની હતો. અમિત ગોંડલીયા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અમિત ગોંડલીયાના અગાઉ છૂટાછેડા થઈ ગયા બાદ હેતલ નામની યુવતી સાથે આંખ મળી જતા બંને છેલ્લા ત્રણ વર્ષથી મૈત્રી કરારથી સાથે રહેતા હતા અને લિવ ઇનમાં સાથે રહેતી પ્રેમિકા હેતલના ત્રાસથી કંટાળી અમિત ગોંડલિયાએ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જોગડા સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.