જામનગર-રાજકોટ હાઈવે પર ગત શનિવારે રાતે કેટલાક બાઈક ચાલકો સુતા સુતા રેસ લગાવીને સ્ટંટ કરતા હતા જે દરમીયાન એક બાઈક ચાલક આગળ જતાં ટ્રકની પાછળ અથડાતા શરીરે ગંભીર ઈજા પહોંચતા પાંચ દિવસની સારવાર બાદ ગઈકાલે બપોરે તેનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
શનિવારના રાત્રીના ખીજડીયા બાયપાસથી ફલ્લા સુધીના રાજકોટ હાઈવે ઉપર અમુક શખસો બાઈક ઉપર સુતા સુતા રેસ લગાવીને જોખમી સ્ટંટ કરતા હોવાનો 15 સેક્ધડનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. જે 15 મીનીટના વિડીયોમાં એક બાઈક ચાલક અંકિત દિલીપભાઈ મકવાણા નામના 17 વર્ષ ના તરુણની બાઈક આગળ જતાં ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. જેમાં તેને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની આઈસીયુમાં સારવાર ચાલતી હતી, અને પાંચ દિવસની સારવાર બાદ ગઈકાલે બપોરના તેનું મૃત્યુ નિપજયું હતું. જે અંગેની પરિવારજનોએ પોલીસને જાણ કરતા પીઆઈ એમ. એન.શેખની સુચનાથી સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, વિડીયો સામે આવતા પોલીસે બાઈક સ્ટંટ કરનાર 8 શખસો સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી પાંચ ની અટકાયત કરી લીધી છે, જ્યારે હજુ બે ફરાર છે. જ્યારે મૃતક અંકિતભાઈએ ટ્રકની પાછળ બાઈક અથડાવીને અકસ્માત કર્યો હોવાની ટ્રક ચાલકે અલગથી ફરિયાદ નોંધાવી હતી.

