ગુજરાત
રણુજાધામ સોસાયટીમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ
સરિતા વિહાર સોસાયટીના યુવક અને થોરાળાની પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પીધુ
શહેરમાં કોઠારીયા મેઇન રોડ પર રણુજાધામ સોસાયટીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ રણુજાધામ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ લાભુભાઈ જળુ નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઉપરના માળે છતના હુકમાં દોરી બાંધી કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અરવિંદભાઈ ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેના પુત્રનું અગાઉ આજીડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. અરવિંદભાઈ જળુના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ સરિતા વિહાર સોસાયટીમાં રહેતા યુવેન્દ્ર રામજીલાલ કનેરીયા નામના 18 વર્ષના યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. જ્યારે થોરાળા વિસ્તારમાં રહેતી કાજલબેન મેહુલભાઈ ચૌહાણ નામની 29 વર્ષની પરિણીતાએ ઘર કંકાસથી ત્રાસી જઇ ફીનાઇલ પી લીધું હતું. જલનશીલ પ્રવાહી પી લેનાર યુવક અને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.