પત્ની રીસામણે ચાલી જતા ટેન્શનમાં ચોટીલામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

રાજકોટના ચોટીલા હાઈવે પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામના 27 વર્ષીય યુવાન શાબાજભાઈ સલીમભાઈ દુહાઇએ મોડી રાત્રે ઝેરી દવા…

રાજકોટના ચોટીલા હાઈવે પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામના 27 વર્ષીય યુવાન શાબાજભાઈ સલીમભાઈ દુહાઇએ મોડી રાત્રે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વ્યવસાયે ટ્રક ડ્રાઈવર એવા શાબાજભાઈ ગાંધીનગરથી ટ્રકમાં બટેટા ભરીને આવી રહ્યા હતા, ત્યારે રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ ચોટીલામાં દેવાંગી હોટલ પાસે તેમણે આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ આત્મઘાતી પગલાં પાછળ કૌટુંબિક કલેશ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, શાબાજભાઈના લગ્ન જીવનમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો હતો. તેમની પત્ની નજીવી બાબતે ઝઘડો કરી છેલ્લા દોઢેક વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયા ખાતે રિસામણે ચાલી ગઈ છે. લાંબો સમય વીતવા છતાં અને સમજાવટના પ્રયાસો છતાં પત્ની પરત ન આવતા શાબાજભાઈ સતત માનસિક ટેન્શનમાં રહેતા હતા. આ વિરહ અને ઘરકંકાસના દુ:ખમાં અંતે તેમણે આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે.

શાબાજભાઈ પોતાના પરિવારમાં બે ભાઈ અને ચાર બહેનોમાં સૌથી નાના છે અને તેમને સંતાનમાં એક નાની દીકરી પણ છે. એક હસતો-રમતો પરિવાર પત્નીના રિસામણા અને વિખવાદને કારણે વેરવિખેર થઈ ગયો છે. હાલમાં તો રાજકોટ સિવિલ હોસ્પિટલના બિછાને યુવાનની સારવાર ચાલી રહી છે.